• સાઉથ આફ્રિકાના વિપક્ષી નેતાને જેલઃ

આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર

Wednesday 22nd April 2026 07:42 EDT
 

સાઉથ આફ્રિકાના વિપક્ષી નેતા જુલિયસ માલેમાને ફાયરઆર્મ્સ કાયદાનો ભંગ કરવા બદલ પાંચ વર્ષની જેલની સજા ફરમાવાઈ છે. માલેમાએ 2018માં રાજકીય રેલીમાં રાઈફલ દ્વારા ફાયરિંગ કર્યું હતું. પાર્લામેન્ટના સભ્ય અને દેશમાં ચોથા ક્રમની સૌથી મોટી ડાબેરી ઈકોનોમિક ફ્રીડમ પાર્ટીના નેતા માલેમાને અપીલ દરમિયાન મુક્ત કરવામાં આવ્યા છે. જો ચુકાદો અને સજા માન્ય રખાશે તો માલેમા સંસદસભ્ય તરીકે ગેરલાયક ઠરશે. દેશના કાયદા અનુસાર કોઈ વ્યક્તિને ગુનેગાર ઠરાવાય અને દંડના વિકલ્પ વિના 12 મહિનાથી વધુની સજા કરાય તો તે પાર્લામેન્ટમાં સેવા આપી શકતી નથી. માલેમાએ ટ્રાયલ દરમિયાન પોતાની સામેના આરોપોને રાજકીય હેતુપ્રેરિત ગણાવ્યા હતા.

કેન્યામાં ફ્યૂલની કિંમતો વધીઃ

કેન્યાની ધ એનર્જી એન્ડ પેટ્રોલિયમ રેગ્યુલેટરી ઓથોરિટીએ સુપર પેટ્રોલ અને ડિઝલના પ્રતિ લિટર ભાવમાં અનુક્રમે 28.69 શિલિંગ્સ અને 40.3 શિલિંગ્સનો વધારો જાહેર કર્યો છે. આના પરિણામે, પેટ્રોલ અને ડિઝલના પ્રતિ લિટર ભાવ અનુક્રમે 206.97 કેન્યન શિલિંગ્સ અને 206.84 કેન્યન શિલિંગ્સ થયા છે. ઓથોરિટીએ ભાવવધારા માટે આયાતી ફ્યૂલની કિંમતોમાં વધારાને જવાબદાર લેખાવ્યો છે. નવી કિંમતો અમલી થાય તે પહેલા વાહનધારકો તેમની ટાંકીઓ ફૂલ કરાવવા દોડી જતા સર્વિસ સ્ટેશનો પર લાંબી લાઈનો લાગી ગઈ હતી. ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પણ ભાડાંમાં તત્કાળ વધારો કરી દીધો હતો. કેન્યા તેના ફ્યૂલનો મોટો હિસ્સો સાઉદી અરેબિયા, યુએઈ અને બહેરિનના ગલ્ફ સપ્લાયર્સ પાસેથી ખરીદે છે.

યુગાન્ડાએ Afcon 2027 માટે વિઝામુક્તિ જાહેર કરીઃ

યુગાન્ડા સરકારે 2027ના CAF આફ્રિકા કપ ઓફ નેશન્સ ((AFCON)ના મુલાકાતીઓ માટે વિઝા નિયંત્રણોમાં મુક્તિ જાહેર કરી છે. યુગાન્ડા, કેન્યા અને ટાન્ઝાનિયા સંયુક્તપણે જૂન 19થી જુલાઈ 18, 2027ના ગાળામાં ટુર્નામેન્ટ યોજી રહ્યા છે. આ ટુર્નામેન્ટના એક મહિના પહેલા અને એક મહિના પછીના ગાળા માટે યુગાન્ડામાં ટુર્નામેન્ટ નિહાળવા આવનારા મુલાકાતીઓ માટે વિઝા વેઈવર રહેશે. વધુ પ્રમાણમાં લોકો યુગાન્ડાની મુલાકાત લે હેતુથી આ નિર્ણય લેવાયો છે. રમતના ચાહકો અને પ્રવાસીઓ સરળતાથી કેન્યા અને ટાન્ઝાનિયામાં પણ અવરજવર કરી શકે તે માટે સ્પેશિયલ વિઝાનો વિકલ્પ પણ વિચારાઈ રહ્યો છે.

બંદૂકધારીઓ દ્વારા 17 વિદ્યાર્થીનું અપહરણઃ

સેન્ટ્રલ નાઈજિરિયાના બેન્યુએ સ્ટેટમાં બંદૂકધારીઓ દ્વારા યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા આપવા જઈ રહેલા સેકન્ડરી સ્કૂલના આશરે 17વિદ્યાર્થીઓ અને અન્ય પ્રવાસીઓનું અપહરણ કર્યું હતું. આ વર્ષમાં વિદ્યાર્થીઓના અપહરણની આ પ્રથમ ઘટના છે. આ વિસ્તારમાં સશસ્ત્ર ગેંગ્સ અને ઈસ્લામિસ્ટ બળવાખોરો પ્રવાસીઓ, શાળાના બાળકો અને ગ્રામીણ રહેવાસીઓનું અવારનવાર અપહરણ કરે છે. કુલ કેટલા લોકોનું અપહરણ કરાયું છે તે જાણી શકાયું નથી પરંતુ, સ્થાનિક મીડિયા અનુસાર 17 વિદ્યાર્થી લાપતા હતા. સિક્યુરિટી એજન્સીઓએ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન્સ શરૂ કરી દીધા છે.

નાઈજિરિયાએ બ્રોડકાસ્ટ નિયમો કડક બનાવ્યાઃ

આફ્રિકાની સૌથી મોટી લોકશાહીનાઈજિરિયામાં જાન્યુઆરી 2027માં સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા દેશના બ્રોડકાસ્ટ રેગ્યુલેટરે રેડિયો અને ટેલિવિઝન પ્રેઝન્ટરો પર વ્યક્તિગત મંતવ્યો જાહેર કરવા, મહેમાનો પર ધાકધમકી કે દબાણ લાવવા અથવા વિભાજનવાદી રાજકીય વિષયો પ્રસારિત કરવા સામે પ્રતિબંધ જાહેર કર્યો છે. ચૂંટણીઓમાં ગેરમાહિતીના પ્રસા્રણ અને સંભવિત છૂટીછવાઈ હિંસાને અટકાવવા બ્રોડકાસ્ટ નિયમો કડક બનાવાયા છે. વિપક્ષી નેતાઓ અને અધિકાર જૂથોએ આ નિયમો મીડિયાનો અવાજ રુંધવા અને મુક્ત અભિવ્યક્તિને દબાવવા સમાન ગણાવી તેના સામે વિરોધ નોંધાવ્યો છે.

યુગાન્ડાના દળોએ 200 બંધકોને છોડાવ્યાઃ

યુગાન્ડાના લશ્કરી દળો અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના દળોએ ઈસ્લામિસ્ટ મિલિટન્ટ્સ ADFવિરુદ્ધ સંયુક્ત ઓપરેશનમાં પૂર્વીય DRCમાંથી 200 જેટલા નાગરિક બંધકોને મુક્ત કરાવ્યા હતા. યુગાન્ડાના લશ્કરી દળોએ રિવર એપુલુના તટે આવેલા એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ની છાવણી પર હુમલો કર્યો હતો. ADFના અનેક લડવૈયા માર્યા ગયા હતા અને છાવણીમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો ઝડપી લેવાયો હતો. અતિ ખરાબ હાલતમાંથી છોડાવાયેલા 200થી વધુ બંધકોમાં 14 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter