કાર્ડીફ સનાતન ધર્મ મંડળ એન્ડ હિન્દુ કોમ્યુનિટી સેન્ટરનો મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો આપણે સૌએ ભગવાનને કરજમુક્ત કરવાના છે: સીબી પટેલ

Wednesday 13th July 2016 07:48 EDT
 

કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટરના મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહનું શાનદાર આયોજન તારીખ ૧-૨ જુલાઈ અને તા. ૧૦ જુલાઈ ૨૦૧૬ દરમિયાન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણેશ પૂજન, સિંહાસન ઉદ્ઘાટન, મૂર્તિ પ્રતિષ્ઠા, પૂર્ણાહુતિ, થાળ, આરતી, મહાપ્રસાદ, ભજન સત્સંગ અને રાસગરબાનો સૌ કોઇએ લાભ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલે કર્મયોગા ફાઉન્ડેશન તરફથી મંદિરને £૫,૦૦૦ની સખાવતની જાહેરાત કરી હતી. જ્યારે સીબીએ જો છ માસમાં મંદિરની તમામ (£૨ લાખ) લોન ભરપાઇ કરી દેશો તો કર્મયોગા ફાઉન્ડેશન તરફથી બીજા £૧૦,૦૦૦ના દાનની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'આજે આપણે સૌએ ભગવાનને કરજ મુક્ત કરવાના છે અને આ માટે નિર્ધાર કરવાનો છે. હું ગૌરવભેર કહું છું કે યુકેમાં પ્રેસ્ટન મારૂ ગામ છે. ભાઇ શ્રી હેમંતભાઇની વાત સાથે હું સહમત છું કે ભગવાનને ગીરવે મૂકવાના ન હોય. મંદિરના નિર્માણ માટે લેવી પડેલી વ્યજ વગરની લોન જલદી ભરપાઇ થાય તે માટે ભંડોળ એકત્ર કરવા માટે અમારી અખબાર તરીકે જે કોઇ જવાબદારી હશે તે નિભાવવા અમે સૌ તૈયાર છીએ. પ્રેસ્ટનવાસીઅોએ જાતી-જ્ઞાતિનો ભેદ ભૂલાવીને ૪૪ લાખ પાઉન્ડના પ્રોજેક્ટને પૂર્ણ કર્યો હતો. આપણા કાર્ડીફના મંદિરને તો માત્ર ૨ લાખ જ જોઇએ છે. તમે સૌ દ્રઢ નિર્ણય કરશો તો છ માસમાં લોન ભરપાઇ થઇ જશે. આપણા સૌમાં ધર્મભાવના છે, આપણે સંસ્કાર અને સંસ્કૃતિ જાળવવાના છે. સનાતન મંદિર ચલાવવું મુશ્કેલ છે. પરંતુ જો તમે યુવાનોને મોટા પ્રમાણમાં જોડશો, બહેનોને આગળ લાવશો તો સંસ્થા સિધ્ધીનાશિખરો સર કરશે. જો આગેવાન પાસે દૂરદ્રષ્ટી હોય, તેઅો મહેનત કરે, કાંઇ લેવાની ભાવના ન હોય, વહીવટ ચોખ્ખો હોય તો સંસ્થા પ્રગતિ કરે છે. મંદિર માત્ર ભજનની જગ્યા નહિં પણ સામાજીક પ્રવૃત્તીનું કેન્દ્ર બનશે તો આપણું કાર્ય સાર્થક થયું ગણાશે.'

આ પ્રસંગે શ્રી સીબી પટેલ, મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલ અને ન્યુઝ એડિટર કમલ રાવનું સંસ્થાના મોવડીઅો દ્વારા શાલ અોઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટરના સ્થાપક અને હજુ પણ કમીટીમાં રહી તન, મન અને ધનથી સેવા આપી રહેલા સંસ્થાના મોભી શ્રી હંસરાજભાઇ પટેલ, નાદુરસ્ત તબિયતના કારણે લંડન રહેતા સંસ્થાના સ્થાપક સદસ્ય અમૃતભાઇ મોદી, તેમજ સ્થાપક સદસ્ય સ્વ. રમણભાઇ પટેલના પત્ની શ્રીમતી વિમલાબેન પટેલનું શાલ અોઢાડીને સન્માન કરાયું હતું.

સનાતન મંદિરના નિર્માણ માટે વ્યાજ વગરની લોન પૂરી પાડનાર સર્વશ્રી હંસરાજભાઇ પટેલ, વિમળાબેન અને હરીશભાઇ પટેલ, નિરૂપાબેન અને ડો. હસમુખભાઇ શાહ, સુધાબેન ભટ્ટ અને પરિવાર, જગદીશભાઇ અને જશવંતભાઇ પટેલ, ઇન્દુબેન અને સૂર્યકાન્તભાઇ પટેલ, સશીનભાઇ આહુજા અને પોતાના પોકેટમનીમાંથી દાન આપનાર સૌથી નાની વયના દાતા શિવ નિકેશ પટેલનું શાલ અોઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઘણાં વર્ષોથી મંદિરના એકાઉન્ટ્સ માટે મફત સેવા આપતા પંકજભાઇ બક્ષી તેમજ તેમના સહયોગી ખુશભાઇ ભીમજી, લંડનથી વર્ષોથી કોચ લઇને યાત્રીઅોને કાર્ડીફ મંદિર લઇ જતા લંડનવાસી રાજભાઇ આચાર્યના ધર્મપત્ની શ્રીમતી અજીતાબેન આચાર્ય તેમજ મંદિરની દિવાલો પર સુંદર કલાત્મક ચિત્રો દોરનાર રાજકોટના કલાકાર અતુલભાઇ પંડ્યાનું પણ સન્માન કરાયું હતું.

પૂજા વિધી મુખ્ય આચાર્ય શ્રી જયેશભાઇ ભટ્ટ (લેસ્ટર)ના વડપણ હેઠળ સર્વશ્રી જયદેવભાઇ ભટ્ટ, સુદેવભાઇ ભટ્ટ (ભારત), કનેયાલાલ વૈદ (ભારત), શાસ્ત્રી સાગરભાઇ (લંડન) અને મંદિરના પૂજારી અયોધ્યાપતિદાસેએ કરાવી હતી.

આ પ્રસંગે સ્થાનિક સ્વામીનારાયણ મંદિરના સંતો તેમજ લંડનથી શાસ્ત્રી શ્રી નિત્યાનંદજી મહારાજ અને રાજુભાઇ શાસ્ત્રીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.

ધજારોહણ વિધી પંકજભાઇ બક્ષીએ કરી હતી. મંદિરના સંચાલકોએ વેલ્સની અને ખાસ કરીને કાલી માતા મંદિર – સ્કંદાવેલની યાત્રાએ આવતા તમામને મંદિરના દર્શન કરવા અનુરોધ કર્યો હતો. જો અગાઉથી જાણ કરવામાં આવશે તો કોચના પ્રવાસીઅો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરાશે. જે ભક્તજનો દાન આપવા ઈચ્છતા હોય તેમને SDM & HCCના નામનો ચેક આપવા, અથવા Natwest Bank, Account Name: Sanatan Dharma Mandal & Hindu Community Center, Account Number: 029754402 Sort Code: 56 00 41ને સીધુ જ પેમેન્ટ કરવાની વિનંતી છે.

વધુ માહિતી તેમજ દાન માટે સંપર્ક: વિનોદભાઇ પટેલ – 02920 623 760, રોહિતભાઇ સી. પટેલ – 01633 681 412 અને હરીશભાઇ પટેલ 07747 080 251.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter