આ નીતિના પરિણામે હવે ગુજરાતમાં વસતાં પરિવારો પણ ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટક, કેરળની જેમ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને પોતાના ઘરમાં આવાસની સગવડ આપીને વધારાની આવક ઉભી કરી શકશે. બીજી તરફ, પ્રવાસીઓને ગુજરાતમાં સસ્તા, સ્વચ્છ અને પારિવારિક વાતાવરણમાં ટુરિસ્ટ પેકેજ મળી રહેશે.
રાજ્યના પ્રવાસન વિભાગે તૈયાર કરેલી આ 'હોમસ્ટે આવાસ' યોજનાની જાહેરાત પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોજના રાજ્યના તમામ વિસ્તારોમાં લાગુ પડશે. આ માટે હોટેલ ઈન્ડ્રસ્ટ્રીઝની તુલનાએ વીજળી, મ્યુનિસિપલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સથી લઈને લક્ઝરી ટેક્ષ, વેટમાં રાહત અપાઇ છે. હોમસ્ટે આવાસ માટે પ્રવાસન વિભાગે કેટલાક નિયમો નક્કી કર્યા છે. તેના આધારે પ્રવાસન નિગમ ક્લિયરન્સ આપશે તે રહેણાંક મકાનમાં પરિવારની સાથે પ્રવાસીઓનું રોકાણ શક્ય બનશે. ગુજરાતમાં ૨૦૧૩-૧૪માં અંદાજે ૨.૮ કરોડથી પણ વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને દર વર્ષે તેમાં ૧૩.૩ ટકા જેટલો વધારો થાય છે.
કોને કેવી રીતે લાભ મળશે?
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ ટૂંક સમયમાં જ હોમસ્ટે આવાસ યોજના અંતર્ગત પોતાના રહેણાંક મકાનમાં પ્રવાસીઓને આવકારવા માટે વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી મંગાવશે. તેમાંથી જે પરિવાર પાસે હોટલ જેવા ફર્નિચર સાથેની સવગડો હશે તેમના મકાનોની પસંદગી કરાશે. આવા મકાનોમાં પરિવાર રહેતો હોવો જોઇશે. પરિવારના સભ્યોને પૂરતા રૂમ ઉપરાંત વધારાના રૂમ હોવા જોઈએ. આવા રહેણાંક મકાનોમાં હોમસ્ટે માટે ૧થી ૬ રૂમ માટે પરમિટ અપાશે. તેના ધોરણો ગોલ્ડન અને સિલ્વર એમ બે રીતે વર્ગીકૃત થશે. જમવા, બ્રેકફાસ્ટ સાથેની હોસ્પિટાલિટી માટે વિસ્તાર પ્રમાણે દર પણ નક્કી થેશે. તેના માટે વેબસાઈટ પણ ડેવલપ થશે. સામાન્ય હોટલની જેમ ટુરિસ્ટનું પોલીસ રજીસ્ટ્રેશ માટેનો રેકર્ડ હોમસ્ટે ઓનરને પણ નિભાવવો પડશે.
વાઈબ્રન્ટ સમિટમાં 'હોમસ્ટે'
વાઈબ્રન્ટ સમિટ અને તે પહેલા યોજનારા એનઆરઆઈ સંમેલનમાં ગુજરાત આવનારા મહેમાનોના રોકાણ અને આતિથ્ય સરભરા માટે હોમસ્ટે આવાસ યોજનાનો મહત્તમ ઉપયોગ કરાશે. જેથી સરકાર અને વિદેશી આવનારા મહેમાનોને ઉંચા હોટેલના ખર્ચમાંથી મુક્તિ મળશે. બીજી તરફ, વિદેશી પ્રવાસીઓને ગુજરાતી કલ્ચરને નજીકથી જાણવાનો સોનેરી અવસર મળશે.