અમદાવાદઃ ગુજરાતને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપવા ઉપરાંત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1ના લોકાર્પણ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 21મી સદીના આધુનિક ભારત, અર્બન કનેક્ટિવિટી અને આત્મનિર્ભર ભારત માટે આજે ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આજે દેશની જનતાને ઉપલબ્ધ બની છે. વંદે ભારત ટ્રેનમાં મેં ઝડપી ગતિની મુસાફરીનો અહેસાસ કર્યો. વંદે ભારત ટ્રેનમાં વિમાન મુસાફરી કરતાં એકસોમા ભાગનો જ અવાજ આવે છે. આ કારણોસર અમે બહુ શાંતિથી વાતચીત કરી હતી. આને જોતાં લાગે છે કે હવાઈજહાજમાં જનારા પણ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા થશે.
વડા પ્રધાને બદલાતી જરૂરિયાત આધારે શહેરોની માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકી એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શહેરો જ આવનારાં પચીસ વર્ષમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરશે. ભારતમાં જ નિર્મિત વંદે ભારત સેમી હાઇસ્પીડ ટ્રેન છે અને ગણતરીની સેકન્ડમાં પ્રતિ કલાક 130 કિલોમીટરની સ્પીડે દોડે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગાંધીનગરથી અમદાવાદ કાલુપુર પહોંચ્યા હતા. અને અહીંથી અમદાવાદ મેટ્રો ટ્રેનમાં બેસી દૂરદર્શન સ્ટેશન પહોંચ્યા હતા. આમ વડા પ્રધાને વંદે ભારત અને અમદાવાદ મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. વડા પ્રધાને મેટ્રોનું લોકાર્પણ કરાવ્યા પછી અમદાવાદના એઈએસ ગ્રાઉન્ડમાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું.
ગતિ અને કનેક્ટિવિટી સમયની માગ
અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર નજીક એઈસ ગ્રાઉન્ડ ખાતે જનસભા સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ અંગે ઈન્ટરનેશનલ સમીટ યોજી હતી. આજે અમદાવાદ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટનું હબ બન્યું છે ત્યારે એ વિચારને સાકાર થતો જોઈને મન ગર્વ અનુભવાય છે. તેમણે જણાવ્યું હતું કે સૌથી વધુ આર્થિક લાભ કરે અને ઝડપી ગતિએ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે એ મેટ્રો ટ્રેનનો અમદાવાદીઓ સૌથી વધુ ઉપયોગ કરશે. ગતિ અને કનેક્ટિવિટી આજના સમયની માગ છે, જે વંદે ભારત ટ્રેન અને મેટ્રો રેલ પૂરી પાડશે.
મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં બે ડઝનથી વધારે શહેરોમાં મેટ્રો શરૂ થઈ છે કે પછી ઝડપથી તેનું કામ ચાલી રહ્યું છે. ઉડાન યોજના થકી આજે નાના શહેરોમાં પણ હવાઈ મુસાફરી શક્ય બની છે.
આજે ગાંધીનગરનું રેલવે સ્ટેશન વિશ્વના કોઈ પણ એરપોર્ટ કરતાં પણ ચડિયાતું છે. બે દિવસ પહેલાં જ અમદાવાદના રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવવાના પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી મળી ચૂકી છે. આમ, ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે.
સભામાં માનવ મહેરામણ ઉમટતાં વડા પ્રધાને જણાવ્યું કે નવરાત્રિ હોય, આખી રાત ડાંડિયા રમાતા હોય, આખુંય ગુજરાત જાણે ઊંઘતું જ ન હોય, આમ છતાંય આટલી જનમેદની જોઈ અમદાવાદીઓએ મારું દિલ જીતી લીધું છે.
અમદાવાદ-ગાંધીનગર ટ્વિન સિટીનું ઉત્તમ ઉદાહરણ
વડા પ્રધાને શહેરોના વિકાસ પર કેન્દ્ર સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે શહેરો જ આવનારાં પચ્ચીસ વર્ષમાં વિક્સિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરવાનાં છે. માત્ર કનેક્ટિવિટી જ નહીં
મૂળભૂત સુવિધાઓના વિકાસથી માંડીને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા સરકાર પ્રયત્નશીલ છે. ટ્વિન સિટીનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ-ગાંધીનગર છે. આગામી સમયમાં ગુજરાતમાં ઘણાં ટ્વિન સિટીનું નિર્માણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત ગ્લોબલ બિઝનેસને સપોર્ટ કરે એવા ગિફ્ટ સિટી જેવો મોર્ડન સિટીનો વિકાસ પણ સારો કરવામાં આવી રહ્યો છે. ગિફ્ટ સિટી હજારો લોકોને રોજગારી આપનાર કેન્દ્ર બન્યું છે.
સુવિધાના કેન્દ્રમાં સામાન્ય નાગરિક
સામાન્ય નાગરિકને લાભ મળે તે પાસાંને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલનો રૂટ પણ તૈયાર કરાયો છે. આજે ગરીબ લોકો પણ વંદે ભારત ટ્રેનને પસંદ કરી રહ્યા છે, કેમ કે લગેજ માટે વધારે જગ્યા હોય છે. નિયત મુકામે ઝડપથી પહોંચાડતી હોવાથી ટિકિટના નાણાં વસૂલ થઈ જાય છે.
અમદાવાદ મેટ્રો રેલની વાત કરતાં મોદીએ જણાવ્યું કે, 32 કિ.મી. લાંબો મેટ્રો ટ્રેક શરૂ થયો છે, આટલો લાંબો ટ્રેક દેશમાં પહેલી વાર અમદાવાદમાં બન્યો છે. જે એક રેકોર્ડ છે. મેટ્રોના બીજા તબક્કામાં ગાંધીનગરને અમદાવાદ સાથે કનેક્ટ કરવામાં આવશે.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે શહેર હોય કે રેલવે, પહેલાના સમયમાં તેના વિકાસ માટે ગંભીર પ્રયાસો થયા નહોતા. અગાઉની સરકારોમાં ચૂંટણીના નફા નુકસાનનો વિચાર કરીને પ્રોજેક્ટ તૈયાર થયા હતા. આજની ડબલ એન્જિન સરકારે આ માનસિકતા બદલી છે. મજબૂત અને દૂરંદેશીવાળું માળખું તૈયાર કરવ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.


