26 ગ્લોબલ કંપનીઓના ચેરમેન-CEO ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ કરવા તૈયાર

Thursday 18th January 2024 04:51 EST
 
 

ગાંધીનગરઃ વિશ્વના દેશોમાંથી આવેલા 26 જેટલી ગ્લોબલ કંપનીઓના ચેરમેન અને સીઇઓએ ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં મૂડીરોકાણ કરવાની તૈયારી બતાવી છે. એટલું જ નહીં આ સિટીને આગળ લઇ જવા માટે મહત્વના સૂચનો પણ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટીમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક લિડરશીર ફોરમમાં અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પ્રથમ સોવરિન ફંડ સેટઅપ કરશે. એ ઉપરાંત સ્ટોનેક્સ ગ્રુપે ફાયનાન્સ સિટીમાં બુલિયન ટ્રેડીંગ ડેસ્કની સ્થાપના માટે કમિટમેન્ટ આપ્યું છે.
આ ફોરમમાં મુકેશ અંબાણી, સંજય મલહોત્રા, લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વના ટોચની અગ્રણી ફિનટેક કંપનીઓની હાજરી જોવા મળી હતી. વડાપ્રધાને આ ફોરમમાં ભાગ લેવા માટે બે કલાકનો સમય ફાળવ્યો હતો પરંતુ તેમણે ત્રણ કલાક સુધી ઉદ્યોગપતિઓને ધ્યાનથી સાંભળ્યા હતા. કેટલાક ઉદ્યોગપતિઓ તો પ્રથમ વખત ગિફ્ટ સિટીમાં આવ્યા હતા પરંતુ મુલાકાત બાદ પ્રભાવિત થયા હતા.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને તમામ ઉદ્યોગપતિઓના સૂચનોનો સારાંશ રજૂ કર્યો હતો. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ અર્થતંત્ર સબંધિત નવા ઉકેલોની ચર્ચા કરવા માટે નાણાં અને ટેકનોલોજી ક્ષેત્રના ટોપ ઉદ્યોપતિઓનો એક મહાન મેળાવડો છે. ફિનટેક આપણા વિશ્વને કેવી રીતે આકાર આપી રહ્યું છે તે જોવાનું ખરેખર રોમાંચક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter