ACBએ પાંચ કરોડથી વધુની બેનામી સંપત્તિ ઝડપી

Friday 11th September 2020 14:06 EDT
 

ગાંધીનગરઃ ભરૂચમાં ગુજરાત જમીન વિકાસ નિગમ લિ.માં ભ્રષ્ટતા કરીને સત્તાવાર આવક કરતાં રૂ. ૧.૧૫ કરોડ ઉપરાંતની વધુ અસ્કામતો વસાવનાર નિવૃત્ત ફિલ્ડ આસિસ્ટન્ટ સામે એન્ટિ કરપ્શન બ્યુરોએ તાજેતરમાં એફઆઈઆર નોંધી છે. આવી જ રીતે અમરેલી જિલ્લામાં શિક્ષક સંઘના તત્કાલીન ખજાનચી, સાવરકુંડલા પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર અને ક્લાર્ક મળીને ચારેય પાસેથી રૂ. પ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો નોંધાતા ચાર સામે એસીબીએ ગુનો નોંધ્યો છે.
એસીબીએ જણાવ્યા પ્રમાણે શીબાભાઈ ઉર્ફે ભૂપતભાઈ જુઝાભાઈ વળીયા ભરૂચની ગુજરાત જમીન વિકાસ નિગમમાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં હતાં. તેમની સામે થયેલાં આક્ષેપોની તપાસ એસીબી જૂનાગઢ એકમના મદદનીશ નિયામક બી. એલ. દેસાઈએ કરી હતી. જે તે વખતે ભૂપતભાઈના સગા સબંધીઓ અને સ્નેહીઓના નામે બોલતી મિલકતોનાં દસ્તાવેજી પુરાવાઓ ચકાસીને અને બેંક ખાતાના ટ્રાન્જેકશનોના વ્યવહારો ચેક કરાયા હતા. એવી હકીકત સામે આવી હતી કે, નોકરી દરમિયાન તેમની રૂ. ૧,૩૩,૫૧,૪૪૨ થઈ હતી. જેની સામે તેમના દ્વારા રૂ. ૨,૪૮,૬૯,૭૯૨નું રોકાણ થયું હતું. આવક કરતાં ૯૫.૧૯ ટકા વધુ આવક જણાઈ હતી. જ્યારે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે, સાવરકુંડલા નગરપાલિકામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કિશોર વલકુભાઈ શેખવા પાસેથી રૂ. ૧ કરોડ ૩૩ લાખ ૪પ હજાર ૮૪૮ એટલે કે ૪૯.૭૩ ટકા અપ્રમાણસર મિલકત, સાવરકુંડલા નગરપાલિકાના સેનિટેશન ઈન્સ્પેક્ટર રોહિત જીવકુભાઈ શેખવા પાસેથી રૂ. ૧ કરોડ ૮પ લાખ ૪૦ હજાર ૩૮૪ની ૬૧.૮૩ ટકા અપ્રમાણસર મિલકત તેમજ રાજુલાના બાલાનીવાવના સસ્પેન્ડેડ શિક્ષક અને તત્કાલીન રાજ્ય શિક્ષક સંઘના ખજાનચી ભાભલુ નાગભાઈ વરુ પાસેથી રૂ. ૧ કરોડ ર૬ લાખ ૬ર હજાર રર૩ની એટલે કે ૧૪૭.૮ ટકા અપ્રમાણસર મિલકત મળી આવી છે. આ ચારેયની મળીને કુલ રૂ. પ કરોડ ૬૦ લાખ ૬૬ હજાર ૮૦પની બેનામી સંપત્તિ અંગે ચારેય સામે એક જ દિવસમાં ગુનો દાખલ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter