સુરતઃ પાટીદારો દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં આઠમીએ યોજાયેલા ભાજપના શક્તિપ્રદર્શન અને અભિવાદન સમારોહમાં હાર્દિક પટેલની પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા જોરદાર હોબાળો મચાવાયો હતો. લોખંડી પોલીસ બંદોબસ્ત હોવા છતાં વરાછાના પી.પી. સવાણી મેદાનમાં ઊભા કરાયેલા વિશાળ ડોમમાં ‘પાસ’ના કાર્યકરો-સમર્થકોએ ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા લગાવીને ખુરશીઓ, ટોપીઓ તથા અન્ય વસ્તુઓ ઉછાળીને ભારે ઉત્પાત મચાવ્યો હતો, જેને પગલે પરિસ્થિતિની ગંભીરતા પારખી જઇને ખુદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વગેરેએ પોતાનાં પ્રવચનો સાવ ટૂંકાવીને કાર્યક્રમને માત્ર પોણા કલાકમાં આટોપી લેવો પડ્યો હતો.
હાર્દિક પટેલને એકલો પાડી દઇ પાટીદાર વોટબેન્ક ભાજપની સાથે છે એવું પ્રસ્થાપિત કરવાના મુખ્ય આશય સાથે યોજાયેલા આ ‘રાજસ્વ પાટીદાર સમારોહ’માંના આ હોબાળા બાદ ભાજપી વર્તુળોમાં સન્નાટો ફેલાયો છે.
કાર્યક્રમ શરૂ થયો તે પહેલાં સભાસ્થળની બહાર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણની કેટલીક ઘટનાઓ બની હતી, જેને પગલે ગભરાટભર્યા અને ગંભીર વાતાવરણમાં જ કાર્યક્રમ શરૂ થયો હતો. શરૂઆતથી જ ‘પાસ’ સમર્થકોએ નારા લગાવવાના ચાલુ કરી દીધા હતા. કેટલાક યુવાનોના જૂથે મંચ તરફ ધસી જઇને હોબાળો શરૂ કરી દેતાં કાર્યક્રમમાં વિક્ષેપ શરૂ થઇ ગયો હતો.
આથી અમિત શાહ અને વિજય રૂપાણી ઉપરાંત પ્રદેશપ્રમુખ જિતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, માજી મુખ્ય પ્રધાન આનંદીબહેન સહિતના ૪૩થી વધુ પાટીદાર પ્રધાનો-સાંસદો-ધારાસભ્યો વગેરેનું અભિવાદન ફટાફટ પતાવી દેવું પડ્યું હતું. સુરતનાં પાટીદાર સમુદાયનાં મોટાં માથાઓ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમ દરમિયાન સતત સૂત્રોચ્ચારો અને હોબાળા વચ્ચે પડદા ફાડવાનું અને ખુરશીઓ ઉછાળવાનું ચાલુ રહ્યું હતું. મંચથી થોડે જ દૂર ચાલી રહેલી આ ધમાચકડીને કારણે મંચ પરના તમામ નેતાઓ ચિંતાગ્રસ્ત જણાતા હતા. આયોજકોના ચહેરાનું નૂર ઉડી ગયેલું દેખાતું હતું. પોલીસ દ્વારા ડેમમાંથી અને તેની આસપાસથી ‘પાસ’ના અનેક ટેકેદારોની ધરપકડ કરાઇ હતી.
વરાછામાં પથ્થરમારો
પાટીદાર વોટબેન્ક ભાજપ સાથે કેટલા પ્રમાણમાં છે એ સ્પષ્ટ દેખાડી દેતા આ હોબાળા અગાઉ અબ્રામા વિસ્તારમાં જ કેટલાક લોકોએ પોલીસનાં વાહનો પર પત્થરમારો કર્યો હતો. નજીકના લજામણી ચોકમાં તોફાને ચડેલા ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસ છોડ્યો હતો. આ સિવાય સવાણી મેદાનની નજીકના વિસ્તારોમાં અન્ય સ્થળોએ પત્થરમારાની ઘટનાઓ પણ બની હતી. મોટા વરાછાથી લજામણી ચોકથી અબ્રામા સુધીના વિસ્તારોમાં મકાનોનાં ધાબાં-અગાશીઓ પરથી પોલીસ પર કાંકરી ચાળો થતો રહ્યો હતો. જોકે પોલીસે સમગ્ર કાર્યક્રમ દરમિયાન અત્યંત સંયમપૂર્વકનું વર્તન કર્યું હતું. પરિણામે બિનજરૂરી સંઘર્ષ ટાળી શકાયો હતો. વરાછામાં સમારોહના પોસ્ટરો ફાડી નાંખવામાં આવ્યાં હતાં. બ્રિજની નીચે પોસ્ટર પર અભદ્ર લખાણ પણ લખાયાં હતાં. ઉપરાંત અમિત શાહના કટઆઉટને પણ સભાસ્થળેથી છેક બહારની તરફ ઘસડી લઇ જઇને મૂકી દીધું હતું. સન્માન સમારોહમાં હોબાળો મચતા લોકો ઘર ભેગા થવા લાગ્યા હતાં. સભા સ્થળે ડોમમાં ખુરશી અને ટોપીઓ ઉછળતાં લોકો ઊભા થઈને ચાલવા લાગ્યાં હતાં.


