FBIના મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં દેત્રોજનો ભદ્રેશ પટેલ

Wednesday 17th April 2024 08:52 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના મોસ્ટ વોન્ટેડ ટોપ ટેનની યાદીમાં અમદાવાદ જિલ્લાના દેત્રોજના યુવકનો સમાવેશ થાય છે. આ ઘટનાક્રમના પગલે 9 વર્ષ બાદ સમગ્ર પ્રકરણ ફરી એક વાર ચર્ચાની એરણે ચડ્યું છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દેત્રોજ તાલુકાના કાત્રોડી ગામના ચેતનભાઈ પટેલનો પુત્ર ભદ્રેશ અને તેની પત્ની પાયલ લગ્ન પછી તરત 2014માં અમેરિકા વિઝિટર વિઝા પર ગયા હતા. તેઓ બંને હેનોવર, મેરીલેન્ડમાં આવેલી એક કોફી શોપમાં સાથે નોકરી કરતા હતા. બંનેએ 6 માસની મુદતમાં ભારત પાછા આવવાનું હતું પરંતુ તેના બદલે તેઓ ત્યાં રોકાઈ ગયા હતા અને સંબંધીની કોફી શોપમાં નોકરી કરતા હતા.

જોકે, આ સમયગાળા દરમિયાન પત્ની પાયલ ભારત પાછી આવી જવા માગતી હતી, જ્યારે ભદ્રેશે અમેરિકામાં જ રહેવાની જીદ કરી હતી. દરમિયાન 12 એપ્રિલ 2015ના રોજ કોફીશોપમાં નાઈટ ડ્યુટીમાં સાથે નોકરી કરી રહ્યા હતા ત્યારે જ સંભવતઃ ભારત પાછા આવવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે તકરાર થઇ હતી. જેનાથી ઉશ્કેરાઈને ભદ્રેશે કિચનના પાછળના ભાગમાં પત્ની પાયલને બોલાવી ધારદાર છરાથી તેની પર અનેક ઘા ઝીંકી દઇને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું.

અમેરિકી એજન્સીએ જાહેર કરેલી માહિતી મુજબ ભદ્રેશે શોપના અંધારિયા બેકરૂમમાં ધારદાર છરીથી પત્ની પર અનેક જીવલેણ ઘા કર્યા હતા. આઘાતજનક બાબત છે કે આ ઘટના શોપની સર્વેલન્સ સિસ્ટમમાં સ્પષ્ટપણે કેદ થઈ હતી. ફૂટેજમાંથી માહિતી મળી હતી કે ત્યારે 24 વર્ષનો ભદ્રેશ પટેલ અને તેની પત્ની કિચન વિસ્તારમાં ગયા પછી ગાયબ થઈ ગયા હતા અને થોડી પળો પછી ભદ્રેશ પાછો ફર્યો હતો. આ ઘટના સમયે અનેક ગ્રાહકોની શોપમાં હાજર હતા.

મૂળે વીરમગામ નજીકના ગામના રહેવાસી ભદ્રેશ પટેલ પર હુમલો અને હત્યા આચરવાના ગંભીર આરોપો મૂકાયા છે. ઘટનાસ્થળેથી તુરંત જ નાસી ગયેલો ભદ્રેશ પટેલ નવ વર્ષથી તપાસ એજન્સીના હાથમાં નથી આવ્યો. એફબીઆઈની બાલ્ટીમોર ફીલ્ડ ઓફિસના ઈનચાર્જ ગોર્ડને જ્હોન્સને જણાવ્યું કે ભાગેડુ ભદ્રેશ પટેલ દ્વારા કરાયેલા અપરાધની હિંસક પ્રકૃતિને જોતા તેની શક્ય એટલી વહેલી તકે ધરપકડ થવી જરૂરી છે. એફબીઆઈએ ભદ્રેશકુમાર પટેલને શોધવામાં સહાય કરવા જાહેર જનતાને અપીલ કરતા અપરાધીને કોઈપણ ભોગે સજા અપાવવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter