અમદાવાદઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ઇજનેર ગિરજાશંકર મોહનભાઇ સાધુએ પંચમહાલ-ગોધરામાં મિનરલ વોટર પ્લાન્ટ શરૂ કરવા અને દર ત્રણ મહિને ફેકટરીએ આવી હેરાનગતિ નહી કરવા માટે રૂ. ૧.૨૦ લાખની લાંચ લીધી હતી. ગિરજાશંકર મોહનભાઇ સાધુ પાસેથી અમદાવાદ શહેરમાં પ્લોટ, સુરતમાં બંગલોઝ, પત્નીનાં નામે કચ્છમાં પેટ્રોલ પંપ અને માંડવીમાં ફાર્મ હાઉસ સહિત આશરે રૂ. ૬૮.૨૪ લાખની બેનામી મિલકતો મળી આવી છે. ગિરજાશંરે ગોધરામાં ફરજ દરમિયાન ફરિયાદીને મિનરલ વોટર પ્લાન શરૂ કરવા માટે નો- ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા રૂ. ૮૦૦૦૦ તથા દર ત્રણ મહિને ફેકટરીએ હેરાનગતિ નહીં કરવા રૂ. ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૨૦૦૦૦ની લાંચ લેતા ફરિયાદ કરાઈ હતી. આ ફરિયાદના આધારે ધરપકડ કરાઈ હતી.
કોન્સ્ટેબલની રૂ. ૮૪ લાખ અપ્રમાણસર મિલકત
ઉલ્લેખનીય છે કે મહિને માત્ર રૂ. ૨૫ હજારના પગારદાર અને અમદાવાદ ગ્રામ્યના LCBના કોન્સ્ટેબલ જગદીશ ચાવડા પાસેથી તાજેતરમાં રૂ. ૮૪.૬૮ લાખની અપ્રમાણસર મિલકત એસીબીની તપાસમાં જ મળી આવી છે. જગદીશ ચાવડાએ ૮ વર્ષની નોકરીમાં આવકથી ૧૨૯ ટકા વધુ સંપત્તિ વસાવી હોવાથી તેની તપાસ ચાલે છે.

