IAS એ. કે. શર્મા નિવૃત્તઃ ઉત્તર પ્રદેશમાં નાયબ મુખ્ય પ્રધાન બની શકે

Tuesday 12th January 2021 10:48 EST
 

ગાંધીનગર: વડા પ્રધાન મોદીના ખાસ ગણાતા અને ૧૯૮૮ બેન્ચના IAS એ. કે. શર્માએ દિલ્હીના સેક્રટરી તરીકેના હોદ્દેથી સોમવારે જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હવે તેઓ ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં જોડાશે તેવું રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે. શર્મા ઉત્તર પ્રદેશ ભાજપના નેતા થશે અને ત્યાં નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી શકયતાની પણ ચર્ચા છે. શર્મા વડા પ્રધાનના વિશ્વાસુ હોવાથી તેમને ચોક્કસ મિશન સાથે જ રાજકારણમાં ઉતારવામાં આવી શકે તેવું કહેવાય છે.
૨ વર્ષ વહેલા નિવૃત્ત થયા
ગુજરાતમાં મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ શર્મા સીએમઓ કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. આ પછી મોદી વડા પ્રધાન થતાં તેઓને દિલ્હી લઇ જવાયા હતા. દિલ્હીમાં ફરજ બજાવ્યા પછી હજુ નોકરીના બે વર્ષ બાકી હોવા છતાં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે. જોકે, ભાજપમાં એવી પણ ચર્ચા છે કે, ઉત્તર પ્રદેશમાં બે બે નાયબ મુખ્ય પ્રધાન છે છતાં હજુ જોઇએ તેવું પરિણામ મળતું નથી તેથી ચોક્કસ મિશન સાથે એ. કે. શર્માને ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ઉતારવામાં આવી શકે છે. હાલમાં પ્રાથમિક તબક્કે તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવાય તેવી શકયતા જોવાઈ રહી છે. શર્માનું મૂળ વતન ઉત્તર પ્રદેશમાં આવેલું મઉના કાજાખુર્દ છે.
ભાજપ કોઈને હટાવાશે કે
ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન?
ઉત્તર પ્રદેશમાં કેશવ પ્રસાદ મોર્ય અને ડો. દિનેશ શર્મા એમ બે ભાજપના જ નાયબ મુખ્ય પ્રધાન છે છતાં એ. કે. શર્માને નાયબ મુખ્ય પ્રધાન બનાવાય તો શર્માને ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન બનાવશે કે પછી હાલમાં જે બે નાયબ મુખ્ય પ્રધાન છે તેમાંથી એકને હટાવશે? આ પ્રશ્નનો જવાબ ભાજપના નેતાઓ પણ શોધી રહ્યા હોવાનું જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter