અમદાવાદઃ ઇન્ડ્યિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના રિસ્ટોરેશન અને કન્ઝર્વેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ઝાયડસના ચેરમેન પંકજ પટેલ તરફથી દાન માટે રૂ. સાડા ત્રણ કરોડ જેટલી નોંધપાત્ર રકમ દાન કરાઈ છે. તેમના આ દાનની મદદથી આઇઆઇએમના હેરિટેજ બિલ્ડિંગના ડોમ ૩ને રીસ્ટોર કરાશે. આ સાથે ડોમ ૧૮ અને ડોમ ૬, ક્લાસરૂમ ૫ માટે પણ અનુદાન મળ્યું છે.
આ અંગેની જાહેરાત કરતા આઇઆઇએમના ડિરેક્ટર પ્રોફેસર આશિષ નંદાએ જણાવ્યું કે, ‘પંકજ પટેલનું આઇઆઇએમમાં ઘણું પ્રદાન છે. તેઓ આઇઆઇએમ અમદાવાદની બિલ્ડિંગ કમિટી તેમજ ફાયનાન્સ કમિટીના હેડ છે. ઉપરાંત પીજીપીની ૧૯૮૩ની બેચના વિદ્યાર્થી અને શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ્સના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર સુકુમાર શ્રીનિવાસ તરફથી ડોમ ૧૮ માટે દાન મળ્યું છે. તેમજ પીજીપીની ૭૪ની બેચના વિદ્યાર્થી પી.પી ગુપ્તા તરફથી ડોમ ડી૬ માટે દાન મળ્યું છે. આ પહેલાં પણ તેઓ નવા કેમ્પસમાં ઓડિટોરીયમ માટે દાન આપી ચૂક્યા છે, જે પી. પી ગુપ્તા ઓડિટોરિયમ તરીકે ઓળખાય છે. આ ત્રણેય દાતાઓ તરફથી વ્યક્તિગત રૂ. ૩.૫ કરોડનું દાન મળ્યું છે. ઉપરાંત ૯૮ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી દંપતી દ્વારા ક્લાસરૂમ ૫ માટે દાન મળ્યું છે.


