અમદાવાદઃ આતંકી સંગઠન આઇએસઆઇએસની સોશિયલ સાઇટને ફોલો કરીને તેને લાઇક કરતા ૧,૬૦૦ જેટલા યુવક-યુવતી પર છ આઇપીએસ સોશિયલ મીડિયા અને મોનિટરિંગ સેલ સતત વોચ રાખી રહ્યા છે. જે ટીનએજર્સની ઓળખ થઇ છે તેમની ઉંમર ૨૦થી ૨૩ વર્ષની છે અને તેઓ સતત આઇએસઆઇએસની સોશિયલ સાઇટ્સને ફોલો કરી રહ્યા છે.
આઇએસઆઇએસ ભારતમાં નવયુવનોની ભરતી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે. ફેસબુક પર મિત્રતા કેળવીને યુવતીઓને ફસાવીને તેનું બ્રેઇનવોશ કરે છે. શાળા કોલેજોમાં અભ્યાસ કરતા ટીનએજર્સ ઇન્ટરનેટના રવાડે એટલી હદે ચડી ગયા છે કે તેમને ખબર જ નથી કે, આઇએસઆઇએસની વેબસાઇટ્સ, ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટને ફોલો કરવાથી કેવા પ્રત્યાઘાતો પડે છે. આઇએસના ભારતના ઓપરેટરો બીજા નામથી ફેસબુકના એકાઉન્ટ ઓપરેટ કરીને ફસાવી દે છે. ખાસ કરીને પાકિસ્તાન, બાંગલાદેશ, સીરિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, કેન્યા સહિતના દેશોમાં ફેસબુક એકાઉન્ટ ખોલીને બેઠા છે. આ એજન્ટો તેમની સાચી ઓળખ છુપાવીને યુવક યુવતીઓને ફસાવીને તેમની પ્રોફાઇલ જાણી લે છે. કેટલાક કિસ્સામાં યુવતીઓના ફોટાઓ એફબીમાં મૂકીને યુવકોને આકર્ષીને તેમની તરફ ખેંચી લે છે.

