NRG સેન્ટર અને GCCI દ્વારા અમદાવાદમાં NRG પેરન્ટ્સ ડેની ઉજવણી

Wednesday 01st March 2017 06:27 EST
 
 

અમદાવાદઃ NRG સેન્ટર અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)ના સંયુક્ત ઉપક્રમે ૨૩મી ફેબ્રુઆરીએ NRG પેરેન્ટ્સ ડેનું આયોજન હતું. તેમાં ગુજરાતમાં વેપાર, શિક્ષણ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે રહેલી તકો વિશે ચર્ચા થઈ હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી. સી. પટેલે વતનમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપતા વિદેશી ગુજરાતીઓની પ્રસંશા કરી હતી. તેમણે અમેરિકામાં હોટેલઉદ્યોગમાં સફળ ગુજરાતી હોટેલિયરને રાજ્યમાં મૂડીરોકાણ માટે અનુરોધ કર્યો હતો.
અધિક સચિવ એન. પી. લવિંગીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના NRG ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ અને મહેસાણામાં NRG સેન્ટર છે. ગુજરાતમાં રહેતા પેરન્ટ્સ વિદેશમાં વસતા સંતાનોની કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે તેનો સંપર્ક કરી શકે છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં આવા સેન્ટર ઉભા કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ ઉપરાંત હાલ ‘ગુજરાત કાર્ડ’ની યોજના શરૂ કરાઈ છે. બિનનિવાસી ગુજરાતી માત્ર ૫ ડોલરની ચૂકવણીથી તેના સભ્ય બની શકે છે. આ કાર્ડ દ્વારા તેમને નિશ્ચિત સ્થળોએ ખરીદી પર ડિસ્કાઉન્ટ મળે છે. સેન્ટર દ્વારા જેમને ગુજરાતી બોલતા નથી આવડતું તેમને ગુજરાતી લર્નિંગ સીડી વિનામૂલ્યે અપાય છે.
અમેરિકાની S S White Technologiesના માલિક અને સીઈઓ રાહુલ શુક્લે જણાવ્યું હતું કોઈપણ વ્યાપારી અમેરિકામાં શહેરી વિસ્તારમાં રૂ. ૭ કરોડ અથવા ગ્રામીણ વિસ્તારમાં રૂ. ૩.૫ કરોડનું રોકાણ કરે તો તે ઈન્વેસ્ટમેન્ટ વિઝા પર અમેરિકામાં પ્રવેશી શકે છે. ‘NRG માટે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રહેલી તકો’ વિશે ચરોતર યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CHARUSAT)ના ટ્રસ્ટી વિરેન પટેલે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં હજુ ઘણા વિકાસની તકો રહેલી છે. ‘ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ’ વિશે CIMS હોસ્પિટલના ડો. કેયૂર બૂચે જણાવ્યું હતું કે આ ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાત ઘણું પાછળ છે. ગુજરાતમાં સક્રિય અને મહત્ત્વાકાંક્ષી મેડિકલ પોલીસીની તાકીદે જરૂર છે. સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી ખૂબ ઓછી છે તે વધારીને ૫૦-૫૦ ટકા કરવાની જરૂર છે. GCCI NRG સેન્ટરના ચેરમેન કે. એચ. પટેલે સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે NRG દ્વારા ગુજરાતમાં રૂ.૬૦ હજાર કરોડનું મૂડીરોકાણ કરાયું છે. અગાઉ, GCCIના પ્રમુખ બિપીન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં NRG, સંસ્થાના હોદ્દેદારો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter