અમદાવાદઃ ગુજરાત એનઆરજી ફાઉન્ડેશન તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝની એનઆરજી સમિતિના સંયુક્ત ઉપક્રમે બિન-નિવાસી ભારતીયોને સ્પર્શતા વિઝા, ઈમિગ્રેશન ઓસીઆઈ/ પીઆઈઓ કાર્ડઝ જેવા મહત્ત્વના મુદ્દાઓ અંગે ૨૬ માર્ચના રોજ એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમારંભના સ્વાગત પ્રવચનમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એનઆરજી કમિટીના ચેરમેન કે. એચ. પટેલે જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી ચેમ્બરની એન.આર.જી. કમિટી દ્વારા વિદેશવાસી ભારતીયોને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓ અંગે વાર્તાલાપ યોજવામાં આવે છે. કમિટી અવારનવાર વિદેશથી આવતા મહાનુભાવો સાથે વાર્તાલાપનું આયોજન પણ કરે છે અને તે દ્વારા વિદેશમાં વસતા ભારતીયો સાથે સેતુ સ્થાપવાની કામગીરી કરે છે.
ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગરના નિયામક બળવંતસિંહ ચાવડાએ પ્રારંભિક પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં આગવું ગુજરાત ઊભું કરે છે, છતાં માદરે વતન માટે તેમની જબરદસ્ત લાગણી હોય છે. આશરે એક કરોડ જેટલા ગુજરાતીઓ દેશ બહાર વસે છે, તેમની અવગણના થઈ શકે તેમ નથી. તેમની બીજી, ત્રીજી કે ચોથી પેઢીમાં ગુજરાતીપણું જળવાઈ રહે અને દેશ સાથે નાતો જોડાયેલો રહે તે માટે ફાઉન્ડેશન કટિબદ્ધ છે.
ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ સચિવ એમ. ડી. અંતાણી ઓસીઆઈ અને પીઆઈઓ કાર્ડ, વિઝા લંબાવવા અંગેની તેમ જ ભારતીય નાગરિકોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે છણાવટ કરતાં જણાવ્યું હતું કે પીઆઈઓ કાર્ડઝ જાન્યુઆરી ૨૦૧૫થી મળતાં બંધ થયા છે. હવે તમામ વિદેશવાસી ભારતીયોએ કાર્ડ કઢાવવા પડે છે. આ માટે ઓનલાઈન અરજી થઈ શકે છે. વિદેશમાંથી અરજી કરાય તો ૨૫૦ ડોલર અને ભારતમાંથી અરજી કરાય તો રૂ. ૧૫,૦૦૦ની ફી ભરવાની રહે છે.
ગુજરાતની રિજિયોનલ પાસપોર્ટ ઓફિસના ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસર અનિતા શુક્લએ જણાવ્યું હતું કે, જે લોકો વિદેશી નાગરિકત્વ મેળવી લીધું હોય તેમણે સત્વરે તેમનો ભારતીય પાસપોર્ટ જમા કરી દેવાનો રહે છે. આ માટે વિદેશી પાસપોર્ટ મળ્યા પછી ત્રણ મહિનાનો ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે. આ ગાળામાં ભારતીય પાસપોર્ટ જમા કરાવી દેવાનો રહે છે. બે દેશોના અલગ પાસપોર્ટ રાખવાથી દંડ અને સજા થઈ શકે છે. વિદેશમાં જન્મેલા બાળકના માતા-પિતા બંને ભારતીય હોય તો ત્યાંથી જ પાસપોર્ટ માટે વિધિ થઈ શકે છે.
ઈન્ટરનેશનલ ટેક્સના જાણીતા કન્સલ્ટન્ટ જીગર પટેલે જણાવ્યું હતું કે બિન-નિવાસી ભારતીયો દેશમાં ખેતીની જમીન અને પ્લાન્ટેશન સિવાય બેંક ડિપોઝીટ, મકાન, બિન ખેતીવાળી જમીનો વગેરે કોઈપણ પ્રકારનું મૂડીરોકાણ કરી શકે છે. આમ છતાં જો ખેતીની જમીન વારસામાં મળેલી હોય તો તે ધારણ કરી શકે છે. આવા રોકાણો કરવાથી ફેમાના નિયમો નડતા નથી. અગાઉ દેશમાં હૂંડિયામણની તંગી હતી ત્યારે વિદેશમાં નાણાં લાવવા-લઈ જવા માટે આકરાં નિયંત્રણો હતા, પરંતુ હવે તેમાં ઘણી છૂટછાટ મળેલી છે. એનઆરઆઈ મૂડીરોકાણ અથવા તો તેમાંથી થયેલા નફા પેટે દરેક નાણાકીય વર્ષમાં એક મિલિયન ડોલર જેટલી રકમ વિદેશ લઈ જઈ શકે છે.
તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૫ પછી બિન-નિવાસી ભારતીયો પીપીએફ યોજનામાં રોકાણ કરી શકતા નથી, પરંતુ જો ચાલુ સ્કીમમાં રોકાણ કરેલું હોય તો મુદ્દત પૂરી થાય ત્યાં સુધી તે ચાલુ રાખી શકે છે.
સમારંભના અંતમાં તમામ વક્તાઓએ શ્રોતાઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના વિગતવાર જવાબો આપ્યા હતા. સમારંભના અંતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એનઆરજી કમિટીના સભ્ય રોહિત પટેલે આભારવિધિ કરી હતી.