અમદાવાદ: ઈન્કમટેક્સ વિભાગમાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) નહીં રજૂ કરનાર બિનનિવાસી રોકાણકારોએ હવે ઊંચા TDS (Tax Deducted at Source)નો સામનો કરવો પડશે નહીં. જો NRI રોકાણકારો પાન નંબર ન દર્શાવે અથવા તે અંગેની વિગતો રજૂ ન કરે તો તેમને મળતી વ્યાજ, રોયલ્ટી, વગેરે આવક પર ૨૦ ટકા લેખે TDS ભરવો પડતો હતો. હવે પાન નંબર નહીં દર્શાવે તો પણ તેમને TDS કપાતમાંથી મુક્તિ મળશે.
ઈ મેઈલ તથા અન્ય પુરાવા
હવે એનઆરઆઈ પાન નંબરને બદલે ઈમેઈલ સહિત વ્યક્તિગત માહિતી અથવા ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ કે અન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરીને TDSના લાભ મેળવી શકશે. આને લીધે NRIને સરળતા રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નાણા મંત્રાલયની સૂચનાને અનુસરીને ઈન્કમટેક્સ વિભાગે, NRI માટે TDS સંલગ્ન નિયમો સરળ કર્યાં છે. વિદેશમાં વસતા મોટાભાગના બિનનિવાસી ભારતીયો ભારતમાં બેંકોમાં ફિક્સ ડિપોઝીટ, બોન્ડ, શેરબજાર, સ્થાવર તથા જંગમ મિલકત, સહિત વિવિધ સ્વરૂપે રોકાણ કરે છે. ભારતમાં થતાં NRI રોકાણો પર તેઓ વ્યાજ, રોયલ્ટી, અથવા ટેકનિકલ ફી, વગેરે સ્વરૂપે આવક મેળવતા હોય છે.
NRIને લાભ
અત્યાર સુધી NRIને આ પ્રકારની આવક અંગે ઈન્કમટેક્સની કલમ-૨૦૬એએ હેઠળ પાન નંબર રજૂ કરવો ફરજિયાત હતો અને જો પાન નંબર રજૂ ન કરે તો અન્ય દેશ સાથે ભારતે કરેલા કરારને ધ્યાનમાં લઈને રોકાણકાર જે દેશના વતની હોય તે દેશના ટેક્સ દર મુજબ ૨૦ ટકા લેખે TDS લાગુ પડતો હતો. પાન નંબર દર્શાવવો ફરજિયાત હોવાથી NRIને મુશ્કેલી પડતી હતી.
બિનનિવાસી ભારતીયોની હાલાકી નિવારવાના હેતુસર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નવો સુધારો કરવામાં આવ્યો છે અને કલમ-૩૭ બીસી હેઠળ હવે NRI પાન નંબરને બદલે પોતાની વ્યક્તિગત માહિતી, ઈ મેઈલ, કોન્ટેક્ટ નંબર, જે દેશના વતની હોય તે દેશનું રેસિડેન્શિયલ સર્ટિફિકેટ અથવા ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર અથવા અન્ય યુનિક આઈડેન્ટિફિકેશન નંબરની માહિતી રજૂ કરી શકશે.


