અમદાવાદઃ અમેરિકાના બોસ્ટનમાં રહેતા વિષ્ણુભાઇ પટેલના ૧૨ વર્ષના દીકરા જયનું ચાંદલોડિયા સિલ્વર સ્ટાર પાસેના માધવ ફલેટ ખાતેના તેમના નિવાસ્થાન પાસેથી ૨૬મીએ અપહરણ કરાયું હતું. અપહરણકારોએ જયને છોડવા માટે રૂ.૧૫ લાખની ખંડણી માગી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરી ૩૨ કલાક બાદ જયને નડિયાદથી હેમખેમ છોડાવવા ઉપરાંત અપહરણકારોને પણ ઝડપી લીધા હતા એવી વિગતો બહાર આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ લોકેશનના આધારે અપહરણકારોને પકડ્યાનું જાહેર કરાયું છે. જયની પ્રાથમિક પૂછપરછ કરાયા બાદ ૨૭મીએ મોડી રાત્રે સોલા પોલીસ સ્ટેશન ખાતે તેનું તેની માતા સાથે મિલન થયું હતું. તે સમયે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. જયને છોડાવ્યા બાદ સોલા પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો જ્યાં તેની માતા સાથે તેનું મિલન થયું હતું.


