NRI સાથે લગ્નવિષયક પ્રશ્નોમાં કાર્યવાહી કરતું મહિલા આયોગ

Monday 29th February 2016 07:11 EST
 

ગુજરાતમાં વસતી કન્યાઓ વિદેશમાં રહેતા બિનનિવાસી ભારતીય સાથે લગ્ન કરે પછી લગ્નવિચ્છેદ કે લગ્નવિષયકના પ્રશ્નો ઊભા થાય છે અને તેની રજૂઆત ગુજરાત રાજ્ય મહિલા આયોગ સમક્ષ થતી હોય છે. વર્ષ ૨૦૧૪-૧૫ના વર્ષમાં આવી ૧૨ જેટલી ફરિયાદ મળી હતી. જેને રાષ્ટ્રીય મહિલા આયોગને પણ મોકલી અપાઈ હતી. ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં ગુજરાત મહિલા આયોગનો રિપોર્ટ રજૂ થયો છે. રિપોર્ટ અનુસાર, મહિલા આયોગમાં ૨૦૦૮થી એનઆરઆઈ સેલ રચાયું છે અને એમાં નોંધાતા ઘણા કિસ્સાઓમાં યુવતી સાથે લગ્ન કર્યા બાદ એનઆરઆઈ પતિ જવાબદારી નિભાવ્યા વિના યુવતીને છોડીને વિદેશ જતા હોઈ તેમને ભારત બોલાવીને ઈન્ટરપોલ કરાર મુજબ કાર્યવાહી કરવા ભલામણ કરાય છે.

ફરિયાદો પરથી ધ્યાનમાં આવ્યું છે કે, ઘણા કિસ્સામાં લગ્ન સમયે દહેજમાં તગડી રકમ કન્યા પક્ષ તરફથી લેવાય છે અને એ પછી પતિ અને સાસરિયા વિદેશ ચાલ્યા જાય છે. ઘણી વખત યુવક વિદેશમાં વિવાહિત હોય છે અને વતન આવીને બીજા લગ્ન કરીને યુવતીને બિનપગારી નોકર તરીકે રાખવા પરદેશ લઈ જાય છે. પરણીને વિદેશ ગયેલી યુવતીને સાચી પરિસ્થિતિની જાણ થતાં અને કફોડી હાલતમાં મુકાતાં દેશ પાછા ફરવું પડે છે. ઘણીવાર પતિ પરદેશમાં એક પક્ષીય રીતે છૂટાછેડા આપી દે તેવા કિસ્સા પણ બને છે. આવા કિસ્સામાં એનઆરઆઈ સેલ યુવતીને કાનૂની સલાહ અને મદદ આપે છે. ઉપરાંત પોલીસ, રાષ્ટ્રીય મહિલા આયોગ, કેન્દ્ર સરકારના વિદેશ વિભાગની મદદથી પરદેશમાં રહેતા પતિ અને સાસરિયા સામે કાનૂની કાર્યવાહી કરવા ભલામણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter