NRI હેમંતભાઈએ ઉકરડાને બગીચામાં ફેરવ્યો

Friday 19th February 2016 02:19 EST
 

અમદાવાદઃ સાબરમતીના રામનગર વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં તમે વર્ષો પહેલાં ગયા હો તો ત્યાં દૂરથી જ ઉકરડાની દુર્ગંધ આવતી હતી, પણ આજે આ વિસ્તાર ફૂલોથી મહેકે છે. આ કમાલ છે, બીજા વિશ્વયુદ્ધના સૈનિકના એનઆરઆઈ દીકરા હેમંત વ્યાસની અથાક મહેનતની. હેમંત કેનેડાનું નાગરિકત્વ ધરાવતા પણ પાકા અમદાવાદી છે. તેમના પિતા કાંતિલાલ વ્યાસનું અવસાન થતાં કેનેડાથી પરત ફરેલા હેમંતભાઈએ જ્યારે તેમના પૈતૃક નિવાસસ્થાને પગ મૂક્યો ત્યારે તેમના ઘરની બાજુમાં જ એક મોટી કચરા પેટી હતી. ઘરની બાજુમાં જ આવેલા ઉકરડાને બગીચામાં ફેરવવાનો તેમણે નિર્ધાર કર્યો. શરૂઆતમાં તો કોઈએ સાથ ન આપ્યો પછી ધીરે ધીરે સૌ એમની સાથે જોડાતા ગયા. આસપાસના રહેવાસીઓની મદદથી તેમણે દોઢ વર્ષની મહેનત બાદ વર્ષ ૨૦૦૪માં ‘સાંઇ ઉદ્યાન’ બનાવ્યું.

આ ઉકરડામાં શાકમાર્કેટ ઉપરાંત હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ, સર્જરીના સાધનોનો કચરો ઠલવાતો હતો. ગરીબોની વસ્તી હોવાથી કોઈ અવાજ ઉઠાવતું નહીં. અનેક પ્રયત્નો પછી કોર્પોરેશનના તે વેળાના ડીવાયએસપી હિંગરાજીયાએ તેમને મદદ કરવાનું વચન આપ્યું. આ અંગે હેમંતભાઈએ કહે છે કે, મેં પહેલા દિવસથી નક્કી કર્યું હતું કે, આ કામ કરવા હું એક પણ રૂપિયાની લાંચ આપીશ નહીં અને કોઈની પાસેથી રૂપિયો લઈશ નહીં. આ ઉદ્યાન બનાવવા માટે કોઈની પાસેથી એક પૈસો લેવામાં આવ્યો નથી. દોઢ વર્ષ સુધી હેમંત વ્યાસે બધી કચેરીઓના ધક્કા ખાધા. હેમંતભાઈ કહે છે કે, આખરે ચમત્કાર થયો હોય એમ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાંથી આ ઠરાવ પસાર થયો. ત્યારે અમારા આનંદનો પાર ના રહ્યો. સાબરમતીના લોકોએ જ આ બગીચો જાતે બનાવ્યો છે. પાંચ વર્ષના બાળકથી માંડીને ૭૦ વર્ષની વ્યક્તિએ તેમાં મહેનત કરી છે.

હેમંતભાઈએ ઓન્ટારિયોમાં મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલને પકડાવ્યો હતો

વર્ષ ૧૯૯૩માં કેનેડાના ઓન્ટારિયોમાં હેંમતભાઈની પિત્ઝા શોપ હતી. તે સમયે તેમણે કેનેડાના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલને પકડાવ્યો હતો. તે બદલ કેનેડાની સરકારે તેમને પુરસ્કાર આપ્યો હતો. આ સિવાય ત્યાં રહેતા હતા ત્યાં પણ કુદરતી આપત્તિઓના સમયે તેમણે લોકોને મદદ કરી હતી અને કેનેડાની સરકારે તેમને નવાજ્યા હતા.

સુનામી-ભૂકંપમાં પણ સહાય કરી

સુનામીના સમયે હેમંતભાઈએ મોકલેલી સહાયના બદલામાં અંદમાન-નિકાબોરના ગવર્નર પ્રો. રામકાપ્સેએ તેમને અભિવાદનપત્ર મોકલ્યો હતો.

કેનેડાના PMનો અભિવાદન પત્ર

હેમંતભાઈ વ્યાસની ૨ માર્ચ, ૧૯૧૫ના રોજ ૨૫મી મેરેજ એનીવર્સરી હતી. આ દિવસે કેનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્ફરે અભિનંદન પાઠવતો પત્ર મોકલી આપ્યો હતો. આ પત્ર જોઈને હેમંતભાઈ ખૂબ ખુશ થયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter