અમદાવાદ: બિનનિવાસી ભારતીયોને રિફંડ ન જોઈતું હોય તો તેમણે તેમના વિદેશમાંના બેન્ક એકાઉન્ટની વિગતો હવે તેમના રિટર્નની સાથે ફરજિયાત આપવી પડશે નહીં. રિફંડ જોઈતું હશે તેમણે તેમના વિદેશમાંના બેન્ક એકાઉન્ટની વિગતો આપવી પડશે.
આમેય વિદેશમાંના બેન્ક એકાઉન્ટની વિગતો ફરજિયાત નથી. આ વિગતો આપવી મરજિયાત કે વૈકલ્પિક છે. જોકે જે કેસમાં રિફંડ મેળવવાની અપેક્ષા રાખવામાં આવતી હોય તેવા કેસમાં વિદેશમાંના બેન્ક એકાઉન્ટની વિગતો આપવી ફરજિયાત કરાઈ છે. ૧૫૭માં આવકવેરા દિનની ઊજવણી નિમિત્તે મીડિયા સાથે વાતચીત કરતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેન સુશીલ ચંદ્રાએ ઉપરોક્ત માહિતી આપી હતી. આવકવેરા ખાતાના ટોચના અધિકારીઓનું કહેવું છે કે બિનનિવાસી ભારતીયો માટે તેમાના વિદેશમાંના બેન્ક એકાઉન્ટની વિગતો આપવી ફરજિયાત નહીં, મરજિયાત છે. ઈન્કમટેક્સ રિટર્ન-૨ના ફોર્મમાં આ વિગતો આપવાની હોય છે. તેમને રિફંડ જોઈતું હોય તો જ તેમણે આ ફોર્મમાં તેમના વિદેશમાંના બેન્ક એકાઉન્ટની વિગતો આપવી પડશે. આ વિગતો આગામી ૩૧મી જુલાઈ સુધીમાં આપી દેવાની રહેશે.


