ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે ભાવનગર (પશ્ચિમ)ના યુવા ધારાસભ્ય જીતુ વાઘાણીની વરણી કરવામાં આવી છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આ જાહેરાત સાથે જ ૪૬ વર્ષના વાઘાણીએ દેશના તમામ પ્રદેશ પ્રમુખોમાં સૌથી યુવા પ્રમુખ બનવાનું બહુમાન મેળવ્યું છે. મુખ્ય પ્રધાન પછી પ્રદેશ પ્રમુખ પણ સૌરાષ્ટ્રમાંથી જ પસંદ કરાયા છે અને ઉત્તર ગુજરાતને પણ મહત્વ મળે માટે નાયબ મુખ્ય પ્રધાન તરીકે નીતિનભાઇની પસંદગી કરાઇ છે.
પાટીદાર આંદોલનથી થોડાક અંશે વિમુખ થયેલા પાટીદાર સમાજને ફરી પોતાની તરફે આકર્ષવાની કવાયતના ભાગરૂપે જ નવા પ્રમુખની પસંદગીમાં પણ આ પાસાંને વિશેષ પ્રાધાન્ય અપાયું હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. કડવા પટેલ સમાજમાંથી આવતા નાયબ મુખ્ય પ્રધાનની સામે પ્રમુખ પદે લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા વાઘાણી પર પસંદગી ઉતારાઇ છે.
પ્રદેશ કાર્યાલય ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત પ્રદેશ પદાધિકારીઓએ લેઉવા પાટીદાર એવા નવા પ્રમુખ વાઘાણીને અભિનંદન પાઠવ્યા હતા અને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. વાઘાણીએ બુધવારે જ તેમનો નવો પદભાર સંભાળી લીધો હતો.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન બનેલી ઘટનાઓ પરથી એક વાત સ્પષ્ટ બની હતી કે, હવે સંગઠનમાં કેટલાક ફેરફારો નિશ્ચિત બન્યા છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક સાથે જ અગાઉ બોર્ડ-નિગમોમાં નિમણૂક પામેલા ચેરેમન, વાઇસ ચેરમેન, ડિરેક્ટરોની નવેસરથી નિમણૂક પ્રક્રિયાનો આરંભ થશે.
બાલ્યકાળથી સંઘ સાથે નાતો
શિશુકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા વિદ્યાર્થીકાળમાં વિદ્યાર્થી પરિષદના સંસ્કારોથી રંગાયેલા વાઘાણી કોલેજકાળમાં સેનેટ મેમ્બર બન્યા હતા. ત્યાર બાદ ૧૯૯૦થી ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી પદની જવાબદારીથી પક્ષમાં સક્રિય રીતે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. જેમાં ૧૯૯૫થી ૨૦૦૦ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય, ૧૯૯૩થી ૧૯૯૭ હાઉસિંગ બોર્ડના ડિરેક્ટર, ૨૦૦૩થી ૨૦૦૯ સુધી પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પદે પહોંચ્યા હતા. આ પછી ૨૦૦૯થી ૨૦૧૨ સુધી પ્રદેશ મંત્રી રહીને ભાવનગર અને અમરેલી જિલ્લાના પ્રભારી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતે વિજય
૩૭ વર્ષની વયે તેમણે ૨૦૦૭માં ભાવનગર દક્ષિણથી ધારાસભાની ચૂંટણી લડી હતી. જોકે, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામે હારી ગયા હતા. જોકે બાદમાં, ૨૦૧૨માં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ૫૩,૮૯૨ની જંગી લીડથી વિજયી થયા હતા. હાલ તેઓ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે પણ જવાબદારી નિભાવતા હતા. હાલના મુખ્ય પ્રધાન રૂપાણી સાથે ઘનિષ્ઠતા ધરાવતા હોવાથી વાઘાણી પર પસંદગી ઉતારાઇ હોવાનું સ્પષ્ટ બન્યું છે.
પક્ષના આયોજનમાં સક્રિય સહયોગ
આફ્રિકા, કિન્સાસો, કોંગો, ઇથોપિયા, જીબુટી, દુબઇ, ઇટાલી, રોમ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ જેવા દેશોનો પ્રવાસ કરી ચૂકેલા ૪૬ વર્ષીય યુવા પ્રદેશ પ્રમુખે તેમની યુવા રાજનેતા તરીકેના કાર્યકાળમાં ‘રન ફોર સ્વર્ણિમ ગુજરાત’ દોડનું નેતૃત્વ, સ્વતંત્ર સંગ્રામની ૧૫૦ની ઉજવણીમાં ગુજરાતના શહીદોના ગામોને આવરી લેતી ક્રાંતિ ગાથા યાત્રા, ક્રાંતીવીર શ્યામજી કૃષ્ણવર્માની જન્મભૂમિ માંડવીથી શરૂ કરીને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને આવરી લેતાં જનજાગૃતિના કાર્યક્રમો તેમજ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાય યાત્રા વેળા સૌરાષ્ટ્રના સહ-ઇન્ચાર્જ તરીકે કામગીરી બજાવી હતી. આ ઉપરાંત તત્કાલીન પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુની આગેવાનીમાં કિસાન હિત યાત્રામાં સહ-ઇન્ચાર્જ, સદભાવના સંમેલનોમાં સહ-ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી છે. આમ, વાઘાણી યાત્રાઓ અને જાગૃતિ કાર્યક્રમોથી લગભગ રાજ્યના મોટા ભાગના વિસ્તારોનો પ્રવાસ કરી ચૂક્યા છે.
જીતુભાઇ વાઘાણીએ પોતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય માટેની આશા વ્યક્ત કરીને સંગઠનને સક્રિય કરવાની તમામ પ્રયાસો કરશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.


