PMOના અધિકારીની ખોટી ઓળખ આપી કાશ્મીરમાં સુરક્ષા મેળવીઃ મહાઠગ કિરણ પટેલ પકડાયો

Wednesday 22nd March 2023 07:06 EDT
 
 

અમદાવાદઃ નવી દિલ્હીના વડાપ્રધાન કાર્યલય (પીએમઓ)ના એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી લઇને ફરતા અને ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાણ કરનારો અમદાવાદનો કિરણ પટેલ વાસ્તવમાં મહાઠગ હોવાનું બહાર આવ્યું છે.
કાશ્મીરમાં વીવીઆઇપી સિક્યુરિટી લઇને ફરતા કિરણ ઉપર શંકા જતાં પોલીસે ગુપ્ત રાહે તપાસ કરી તો તે બનાવટી અધિકારી હોવાનું બહાર આવતા આખરે જમ્મુ પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યો હતો. રિમાન્ડ બાદ હાલ તેને ૧૫ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. મહાઠગ કિરણના કારનામાની પોલ ખુલતાં ગુજરાત એટીએસની એક ટીમ સમગ્ર મામલે તપાસ કરવા માટે જમ્મુ કાશ્મીર રવાના થઇ છે. જોકે કિરણની ઠગાઇના ‘કિરણ’ કયાં કયાં સુધી પહોંચ્યા છે તે દિશામાં પણ ગુજરાત પોલીસ તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે, અમદાવાદના ઘોડાસરમાં રહેતો કિરણ પટેલ પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટજી એન્ડ કેમ્પેઇન) અધિકારી તરીકેનો ઓળખ આપતો હતો. ઉપરાંત તેના સોશિયલ મિડીયામાં ભાજપના નેતાઓ સાથેના ફોટા મૂકીને તેની ઓળખાણ ટોચના નેતાઓ સાથે હોવાનું કહીને પણ ગુજરાતમાં ઠગાઇ આચરતો હોવાનું પણ બહાર આવ્યું છે. તેની ઠગાઇની જાળમાં ગુજરાતના કેટલાક સંતો,ખેડૂતો,નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને રાજકારણી ફસાયા હોવાનું ખૂલ્યું છે. ગુજરાત પોલીસ પણ ગુપ્ત રાહે કિરણની ક્રાઇમ કુંડળીની તપાસ કરવામાં લાગી ગઈ છે.
અને એજન્સીઓને શંકા ગઈ
પીએમઓનો અધિકારી હોવા છતા ફેબ્રુઆરી અને માર્ચમાં સતત બે વાર કાશ્મીરની મુલાકાતે જતા કાશ્મીરની સુરક્ષા એજન્સીઓને શંકા ગઇ કે પીએમઓ અધિકારી પાસે આટલો સમય તો ના જ હોય. આથી તપાસ કરતા નકલી અધિકારીનો આખો ભાંડો ફુટ્યો હતો. કિરણ કાશ્મીરની મુલાકાતે જતો ત્યારે સરકારી તંત્રને જણાવતો કે, કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સફરજનના બગીચાઓમાં રોકાણની તકો શોધવાની જવાબદારી તેને સોંપી હતી. તેણે સ્થાનિક અધિકારીઓ સાથે બે વાર બેઠક યોજી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter