PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મના આરોપી પાસેથી રૂ. ૩૫ લાખ પડાવ્યાની ફરિયાદ

Monday 06th July 2020 15:39 EDT
 
 

અમદાવાદઃ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ દુષ્કર્મના આરોપીને પાસાના કેસમાં નાંખી દેવાની ધમકી આપીને પછી એફઆઈઆર પણ ન કરવાના રૂ. ૩૫ લાખ પડાવી લીધાની ફરિયાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઇ હતી. આ કેસમાં ઈન્ચાર્જ પીઆઈ શ્વેતા જાડેજાની અટકાયત કરી લેવાઈ હતી. શ્વેતા જાડેજાને ચોથી જુલાઈએ સેશન્સ કોર્ટમાં રજૂ કરાઇ હતી. પોલીસે કોર્ટમાં ૭ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.
ઘટનાની વિગત
વર્ષ ૨૦૧૭માં GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમ. ડી. કેનલ શાહ વિરુદ્ધ કંપનનીની એક મહિલા કર્મચારીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્વેતા જાડેજાને સોંપાઈ હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સામે આ કેસમાં સાક્ષી બનેલા વ્યક્તિને ધમકાવવા મામલે કેનલ શાહ વિરુદ્ધ સેટેલાઈટમાં ફરિયાદ થઈ હતી. આમ બે અલગ અલગ કેસની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પીઆઈનો ચાર્જ ધરાવતાં પીએસઆઈ શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં કેનલ શાહને પાસા હેઠળ પૂરી દેવાનું જણાવીને રૂ. ૩૫ લાખની માગ પોલીસ સ્ટેશનમાં જ કરી હતી. કથિત રીતે ભારે રકઝક પછી મામલો રૂ. ૨૦ લાખમાં સેટ થયો હોવાનું બહાર આવ્યું છે. કેનલ શાહે રૂ. ૨૦ લાખ શ્વેતાને આપી દીધા હતા.
કેનલનાં કર્મચારીઓએ શ્વેતા જાડેજાના બનેવી જયુભાને જામજોધપુરમાં રૂ. ૨૦ લાખ સીજી રોડની આંગડિયા પેઢી દ્વારા મોકલ્યાના પુરાવા ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યાં છે. એસીપી મીની જોશેફ્ની ચેમ્બરમાં પણ આરોપી કેનલ અને તેના મળતિયા બેસી રહેતા હતા. આથી આ કેસની તપાસ એસીપી મીની જોશેફ પાસે હોવાથી તેમની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. જોકે રૂ. ૧૫ લાખ માટે કેનલ શાહે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી દીધી હતી. આ અંગે તપાસમાં પુરાવા મળતાં શ્વેતા જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter