અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) અને વિવિધ ક્ષેત્રોમાં તેની વિચારધારાના મૂળિયા ઊંડા કરી રહેલા ૨૫થી વધારે સંગઠનોની ઉવારસ સ્થિત કર્ણાવતી મેડિકલ કોલેજમાં મંગળવારથી ત્રણ દિવસની બેઠકના આયોજનની ઘોષણા કરાઈ હતી. આ બેઠક બાદ અયોધ્યામાં આકાર પામતા શ્રી રામ મંદિર માટે ધનસંગ્રહ કરવા ‘ઘરે ઘરે સંપર્ક’ અભિયાનને વેગ અપાશે એમ RSSના પ્રચાર પ્રમુખ અરુણકુમારે ચોથીએ જણાવ્યું હતું.
RSSના પ્રમુખ મોહન ભાગવત બેઠકના ત્રણ દિવસ અગાઉથી જ અમદાવાદ પહોંચી ગયા હતા અને સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશી સાથે મંગળવારથી તેઓ સમન્વય બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેવા અહેવાલ હતા. આ બેઠકમાં સંઘની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કિસાન સંઘના બસવેગોડા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના છગનભાઈ પટેલ, મહિલા પાંખના અધ્યક્ષ શાંતા અક્કા, વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના અલોકકુમાર, સ્વદેશી જાગરણ મંચના આર. સુંદરમ સહિત આર્થિક, સમાજિક અને નાગરિક કેળવણી ક્ષેત્રે કાર્યરત RSSની સમવિચારધારા ધરાવતા સંગઠનોના અધ્યક્ષો, મહામંત્રી, સંગઠન મંત્રી સહિત ૧૫૦ જેટલા કાર્યકરો સાંપ્રત પ્રવાહના વિષયો પર સામૂહિક મંથન બેઠકમાં કરશે.
પ્રચાર પ્રમુખે કહ્યું કે, વિવિધ ક્ષેત્રોના સંગઠનોના કાર્યકરો વર્ષભર પ્રવાસ કરે છે. એમાં મળેલી જાણકારી અને અનુભવો આ બેઠકમાં રજૂ થશે. હાલમાં પર્યાવરણની જળવણી અને ભારતીય જીવન શૈલી પર કામ કરી રહ્યા છીએ. શ્રી રામ મંદિર નિર્માણ માટે અભિયાનમાં સામાન્ય નાગરીકને પણ જોડવામાં આવશે.
રામ મંદિર માટે સૌથી મોટા દાતા મોરારિબાપુ
રામ મંદિર બાંધકામ માટે રામકથાકાર મોરારિબાપુએ રૂ. ૧૦ કરોડનું દાન કર્યું છે. આ સૌથી વધુ ફાળો હોવાનું નોંધાયું છે. આ સાથે મોરારિબાપુએ કહ્યું કે, હજુ વ્યાસપીઠને સમર્પિત વિદેશ વસતા રામકથા પ્રેમીઓ દ્વારા પણ ફાળો થયો છે. રામ મંદિર ટ્રસ્ટને હજુ વિદેશી ફંડ સ્વીકારવાનું પ્રમાણપત્ર મળ્યું નથી. મળ્યે એ રકમ પણ જમા થશે. ફાળાની કુલ રકમ રૂ. ૧૯ કરોડ થશે. મોરારિબાપુએ જણાવ્યું કે, આ બધું રામકથા થકી થયું છે. તલગાજરડામાં પીઠડિયા હનુમાન મંદિરે કથા થઈ ત્યારે રામ મંદિર માટે વ્યાસપીઠ દ્વારા ફાળા માટે અનુરોધ કરાયેલો અને માત્ર ત્રણ દિવસમાં જ આ ફાળો એકત્ર થયો હતો.














