SDB: હીરાનગરીની ધરતી પર ઝળહળતું સપનું

Wednesday 03rd January 2024 05:48 EST
 
 

કોઇ વ્યક્તિ એક સપનું જુએ અને તેને સાકાર કરવા અંતરમનના ઉમળકા સાથે આયોજનબદ્ધ પ્રયાસ કરે તો તેને સાકાર કરવું અશક્ય નથી એ તો આપણે સહુ જાણીએ છીએ. જ્યારે સુરતમાં સાકાર થયેલું આ સપનું તો બે-ચાર નહીં, હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકોએ સાથે મળીને જોયું હતું. તેને સાકાર કરવા સહુ કોઇએ સાથે મળીને આયોજન કર્યું હતું અને સપનાને નક્કર સ્વરૂપ આપવા સહુએ દિવસરાત સહિયારા પ્રયાસો કર્યા હતા.
આ સપનું એટલે સુરતની ધરાપટલ પર ઝળહળહતું સુરત ડાયમંડ બુર્સ (એસડીબી). 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એસડીબીનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ હીરાનગરીના છોગામાં વધુ એક ‘હીરા’નો ઉમેરો થયો છે. આ સંકુલે આરંભ સાથે જ તેણે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ કોમ્પલેક્સનું બિરુદ મેળવી લીધું છે. અત્યાર સુધી આ સન્માન અમેરિકાના વર્જિનિયા સ્ટેટના આર્લિંગ્ટન શહેરમાં સ્થિત પેન્ટાગોનના નામે હતું. પેન્ટાગોન એ અમેરિકાના સંરક્ષણ વિભાગનું હેડ ક્વાર્ટર તરીકે જાણીતું છે.
સુરતના ખજોદમાં આશરે 3400 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા આ ભવ્યાતિભવ્ય સંકુલનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ્ય જ કહ્યું હતુંઃ સુરત ડાયમંડ બુર્સ અર્થતંત્ર માટે ગેમચેન્જર સાબિત થશે. સ્પષ્ટ છે કે તેમનો અંગૂલિનિર્દેશ એ બાબત ભણી હતો કે આગામી વર્ષોમાં વિકસિત ભારતના નિર્માણ માટે તેમજ ભારતને વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનાવવામાં ભારતીય હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જવેલરી સેક્ટર મહત્ત્વની ભૂમિકા ભજવશે.
વડાપ્રધાને જે કોમ્પલેક્સને મેઇડ ઇન ઇન્ડિયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવેલું છે સુરત ડાયમંડ બુર્સ આર્કિટેક્ચર - પર્યાવરણજતન અને એન્જિનિયરિંગનો ત્રિવેણીસંગમ છે. આત્મનિર્ભરતાના પ્રતીકસમાન એસડીબી કોમ્પલેક્સનો કન્સેપ્ટ ભારતીય છે, એન્જિનિયરિંગ ભારતીય છે, આર્કિટેક્ચર પણ ભારતીય છે. ડાયમંડ બુર્સનું અદ્યતન સ્ટ્રક્ચર દુનિયાની શ્રેષ્ઠ ઇમારતોને પણ ઝાંખું પાડે તેવું છે. તેનું સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બને તેવું છે.
35 એકર, 9 કનેક્ટેડ બિલ્ડીંગ
કુલ 35 એકરમાં ફેલાયેલું, 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધારે નિર્માણ ધરાવતું અને 15 માળમાં ફેલાયેલા સુરત ડાયમંડ બુર્સનું સંકુલ 3400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સાકાર થયું છે. આ ડાયમંડ બુર્સનું ના નિર્માણમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. બિલ્ડિંગનું સમગ્ર સ્ટ્રક્ચર નવ લંબચોરસ સ્વરૂપમાં છે, અને આ તમામ નવ ઈમારતો એકબીજા સાથે જોડાયેલી છે. વડાપ્રધાન મોદીએ 17 ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ તેમાં ડાયમંડ ટ્રેડિંગ શરૂ થઇ ગયું છે.
તમામ સુવિધા એક જ છત્ર તળે
દુનિયાભરમાં જેમ્સ કેપિટલના નામ પ્રસિદ્ધ આ બિલ્ડિંગ ભારતીય હીરાઉદ્યોગ માટે ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન’ બની રહ્યું છે. અહીં હીરાના પોલિશિંગ – કટિંગથી માંડીને તેના પેકિંગ અને કાર્ગો સહિતની સગવડ છે. હીરાના વેપારીઓ માટે સુરત ડાયમંડ બુર્સમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં વ્યવસાયઅર્થે આવેલા વેપારીને તેમના નાના-મોટા કોઈ પણ કામ માટે અન્યત્ર ક્યાંય પણ જવાની જરૂર નહીં પડે. તેના નિર્માણમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એક સાથે 65 હજાર વેપારી માટે સુવિધા
સુરત ડાયમંડ બુર્સની બિલ્ડિંગની ડિઝાઇન ભારતીય ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડિંગ બની તેના ઘણાં સમય પહેલાં હીરાના મોટા મોટા વેપારીઓએ અહીં ઓફિસ સ્પેસ ખરીદી લીધી હતી. બિલ્ડિંગની અંદર માત્ર કોમર્શિયલ કોમ્પ્લેક્સની જ સુવિધા નથી, પણ વિશાળ પાર્કિંગ સાથે એન્ટરટેઇનમેન્ટ ઝોન પણ છે. ખાસ વાત એ છે કે દુનિયાના આ સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમાં 65 હજારથી વધુ હીરાના વેપારીઓ એકસાથે પોતાનો વેપાર કરી શકશે.
ગતિશીલતા-વિકાસનું પ્રતીક
આ બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂર્ણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતુંઃ સુરત ડાયમંડ બુર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વિકાસ દર્શાવે છે. આ સંકુલ ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનું પણ પ્રતીક છે. તે વેપાર, ઇનોવેશન અને સહયોગના મથક તરીકે કામ કરશે, જેનાથી આપણી અર્થવ્યવસ્થાને વેગ મળશે અને રોજગારીની હજારો તકો ઊભી થશે.
સુરતની ધરતી પર ઝળહળતું એસડીબી વિશ્વના ડાયમંડ પોલિશિંગ કેપિટલ તરીકે હીરાનગરીની પ્રતિષ્ઠાને વધારે મજબૂત કરશે અને ભારતના ડાયમંડ, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે એક પ્રકાશમાન સીમાચિહ્ન સાબિત થશે તેમાં બેમત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter