અમદાવાદઃ એસજીવીપીના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાનીમાં રવિવારે મેમનગર ગુરુકુળથી એસજીવીપીની રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના પ્રારંભમાં ગુરુકુળમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામનું ૧૦૮ બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને ૧૦૮ બહેનોએ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી હતી. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ સોનાની સાવરણી વાળીને (પહિંદ વિધિ) કરાઈ હતી. પહિંદ વિધિમાં પુરાણી બાલકૃષ્ણજી સ્વામી, ઔડાના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયમના રામપ્રિયજીએ દોરડું ખેંચીને રથ પ્રસ્થાન કરાવ્યું હતું.
ઇસ્કોન દ્વારા આયોજન
ઇસ્કોન મંદિર દ્વારા રવિવારે બિલેશ્વર મહાદેવથી રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ રથયાત્રાનો પ્રારંભ પરંપરાગત શાસ્ત્રોક્ત પૂજાવિધિ બાદ થયો હતો. રથયાત્રામાં સામેલ ભાવિક ભક્તોએ ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને દોરડાથી ખેંચ્યો હતો.
૫૦મી બાળ રથયાત્રા
ઘાટલોડિયા નીલકંઠ મહાદેવ ત્રિપદા સ્કૂલથી સવારે ૬.૩૦ કલાકે સોલા ભાગવત વિદ્યાપીઠના ભાગવત ઋષિ અને અર્ચિત ભટ્ટના નેજા હેઠળ નાનકડી રથયાત્રા કાઢવામાં આવી હતી. રથમાં બિરાજમાન ભગવાન જગદીશ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરીને ભૂલકાંઓ સહિત ભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.

