અમદાવાદઃ સવારે પથારીમાંથી ઊઠીને સીધું ટૂથબ્રશ પકડવા સુધીની સામાન્ય પ્રક્રિયા વિશે જ તમે વિચારી જુઓ કે તમે જોઈ ન શકતા હો તો કેવી મુશ્કેલી ઊભી થાય? આવો વિચાર પણ કમકમાટીભર્યો હશે. તો કુદરતી કે કૃત્રિમ રીતે જેમને દૃષ્ટિ નથી મળી એમની જિંદગી કેવી હોતી હશે? આપણને આંખો છે એ બદલ કુદરતનો આભાર માનવો જોઈએ અને જેઓ દેખી શકતા નથી એમના પ્રત્યે સદભાવના રાખવી જોઈએ એવા આશયથી જ અમદાવાદના અંધજન મંડળ દ્વારા કેમ્પસમાં ‘વિઝન ઇન ડાર્ક’ નામનો પ્રોજેક્ટ બનાવાયો છે. લોકો નેત્રહીન વ્યક્તિની રોજિંદી જિંદગીની વ્યથા સમજે એ હેતુથી આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. નેત્રહીન વ્યક્તિઓની જિંદગીની થોડીક ક્ષણો આપણે જીવીને તેઓ જિંદગીમાં કેવું મહેસૂસ કરતા હશે અને રોજિંદા જીવનમાં તેઓ અંધકારમાં જીવવાની આદત પાડીને કોઈ પણ કામ કેટલું સરળતાથી કરતા હશે તે ‘વિઝન ઇન ડાર્ક’ સમજાવે છે.
ગુજરાતની સૌ પહેલી ડાર્ક રેસ્ટોરન્ટઃ પ્રજ્ઞાચક્ષુ જેવો અહેસાસ કરાવતી રેસ્ટોરાં લગભગ ગુજરાતમાં પહેલીવાર બની છે. જેમાં પથ્થરના બાંકડાની બેઠક વ્યવસ્થા છે. આ રેસ્ટોરાંમાં કોલ્ડ્રીંક્સ, હળવો નાસ્તો, દાળવડાં, વડાપાઉં જેવી વાનગીઓ ઓર્ડરથી મળે છે. આ રેસ્ટોરાંનું સંચાલન પ્રજ્ઞાચક્ષુ મિત્રો જ કરે છે. આ રેસ્ટોરાંમાં વાનગીઓ માટે અંધજન મંડળ દ્વારા એક કાફે સાથે ટાઇ્અપ કરવામાં પણ આવ્યું છે. અહીં તમે આગોતરું પ્રસંગનું આયોજન પણ કરી શકો છો.
ટિકિટ કાઉન્ટરઃ ‘વિઝન ઇન ડાર્ક’ પ્રોજેક્ટ માટે અંધજન મંડળના કેમ્પસમાં જ એક ડાર્ક રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં જરાય અજવાળું નથી. આ ડાર્ક રૂમની મુલાકાત માટેની ટિકિટની કિંમત રૂ. ૫૦ રખાઈ હતી. જેથી આ રૂમનો મેઇન્ટેનન્સનો ખર્ચો નીકળે.
ગાર્ડન એરિયાઃ ડાર્ક રૂમમાં તમારો પ્રવેશ થાય એ સાથે તમારી પાંચેપાંચ ઇન્દ્રિયોની સતેજતાનું માપ નીકળવાનું શરૂ થઈ જાય. ડાર્ક રૂમમાં ખરેખરા ઘાસવાળો બગીચો છે. ઘાસ સિવાયના ઝાડપાન વેલા નકલી છે અને તેમાં નકલી સુગંધ છંટાય છે. ગાર્ડનમાં લાકડાનો પુલ પણ છે અને પંખીઓના કલરવનો અવાજ પણ સાઉન્ડ સિસ્ટમથી મુકાયો છે.
થિએટરઃ આપણે ક્યારેય એ નહીં વિચાર્યું હોય કે અંધ વ્યક્તિ ફિલ્મ કેવી રીતે જોતી હશે? તેઓ માત્ર ઓડિયોથી ફિલ્મના પાત્રોને સમજતા હશે? તે જાણવા માટે જ આ થિયેટર બનાવાયું છે. આ થિએટરમાં બે ફિલ્મ દર્શાવાય છે. તેમાં ઓડિયોની સાથે પાત્ર શું કરે છે તેનું વર્ણન ફિલ્મ ચાલે એમ ઓડિયોમાં કરાય છે. જેથી વીડિયો વિના તમે ફિલ્મનું પાત્ર શું કરે છે તે જાણીને સમજી શકો. આ થિએટરમાં દર્શાવવા માટે ‘તારે જમીં પર’ ફિલ્મને એડિટ કરીને ૨૦ મિનિટની કરાઈ છે.
ગુફાઃ મા વૈષ્ણોદેવીની ગુફાની પ્રતિકૃતિ ‘વિઝન ઇન ડાર્ક’માં તૈયાર કરાઈ છે. જેથી અંધ વ્યક્તિના ભાવને તમે સમજી શકો. આ ગુફામાં તમારે અંધકારમાં ચાલતા અંદર જવાનું હોય છે. હાથ દિવાલ પર રાખવાનો જેથી ક્યાંય અથડાઈ ન જવાય. આ ગુફાની દિવાલ ખાસ પ્રકારના પથ્થરથી બની છે જેમાં સ્પેશ્યલ ઇફેક્ટ અપાઈ છે.
દિવાલમાં થોડે થોડે અંતરે ભગવાન અને માતાજીઓની મૂર્તિઓ ધરાવતાં ગોખ છે જેનો સ્પર્શ દ્વારા જ અનુભવ કરી શકાય. મુખ્ય મંદિરમાં ઘંટ પણ છે. ખાસ કારીગરો દ્વારા આ ગુફા તૈયાર કરાઈ છે.
ગામડુંઃ ડાર્ક રૂમમાં નાનકડા ગામના દૃશ્યને ઊભું કરાયું છે. ગામમાં ચબૂતરો, બળદગાડા, કૂવો, પનિહારી, ગામડાંના ઘરના વાસણો, હાથથી દરવાની ઘંટી, ઘરમાં પાણિયારું, વરંડો, તોરણ, તુલસી ક્યારો છે. આ સાથે આ ગામમાં ગાય, બળદ, ભેંસ જેવા પ્રાણીઓના સ્ટેચ્યુ છે. ગ્રામ્ય વાતાવરણનો અહેસાસ થાય એ માટે ખાસ ઓડિયો મુકાયો છે. ઓડિયોથી તમને લાગે કે તમારી આસપાસ કોઈ બળદગાડું હાંકે છે. કોઇ પક્ષીને ચણ નાંખે છે. કોઇ ઘંટીથી અનાજ દળે છે.
રિક્ષા સવારીઃ ‘વિઝન ઇન ડાર્ક’માં સાચી રિક્ષા પણ મુકાઈ છે. તમે રિક્ષાની સવારી કરો એટલે રિક્ષા ચાલશે અને રોડ પરના અવાજો તમારા કાનમાં પણ પડશે.


