અમદાવાદઃ શહેર પોલીસે પાટીદારોને ૨૫ ઓગસ્ટની રેલી યોજવા માટે યુનિવર્સિટી વિસ્તારના જીએમડીસી ગ્રાઉન્ડ પર મંજૂરી આપી છે. આ મંજૂરી મુજબ ત્રણ લાખ પાટીદારો સભામાં ભાગ લઇ શકશે. આ સભા અને રેલી માટે કેતનભાઇ લલીતભાઇ પટેલ દ્વારા ગત ૮ ઓગસ્ટે અરજી કરવામાં આવી હતી. પરંતુ તેનો ઉત્તર પોલીસ દ્વારા અપાયો ન હતો. ત્યાર બાદ ફરી ૨૦ ઓગસ્ટે કેતનભાઇએ પોલીસ કમિશનર ઓફિસમાં રેલી માટે મંજૂરીની માગણી કરી કરી હતી, આ અરજીમાં ફક્ત સભાનો જ ઉલ્લેખ કરાયો હતો. આ અંગે સ્પેશિયલ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર વિકાસ સહાયે જણાવ્યું હતું કે, આ રેલી દરમિયાન પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે, પાટીદારોની સંખ્યા વધશે તો પણ પોલીસ તૈયાર છે. ત્રણ લાખ પાટીદાર અનામત અંગેની જાહેરસભા માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સવારે ૭ વાગ્યાથી મંજૂરી આપવામાં આવી છે તેમાં માઇકના ઉપયોગને પણ મંજૂરી અપાઇ છે. પરંતુ આયોજકોએ સભા બાદ રેલી કાઢવાનું નક્કી કર્યું છે. પરંતુ રેલીની કોઇ પરવાનગી પોલીસે હજુ આપી નથી. જો કે, આયોજકો ૧૪ કિ.મી. લાંબી રેલી કાઢવા વિચારે છે.
પૂર્વ પ્રધાનનું ભાજપમાંથી રાજીનામું
રાજ્યના પૂર્વ કૃષિ પ્રધાન અને ભાજપના કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ બેચર ભાદાણીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી અનામત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. અગાઉ ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ પણ રાજીનામાની તૈયારી દર્શાવી હતી. ભાદાણીએ જણાવ્યું હતું કે હવે તો ૨૫મીની રેલીમાં પણ ઉપસ્થિત રહેશે અને યુવા આગેવાનો કહે તે રીતે તેને સમર્થન આપશે.
આંદોલનમાં ભાજપના જ નેતાઓની સંડોવણીની શંકા
પાટીદારોનું અનામતની માગણી સાથેનું આ આંદોલન ભલે સ્વયંભૂ અને સામાજિક ગણાવાતું હોય પરંતુ આંદોલન જે રીતે દિશા પકડી રહ્યું છે તે જોતાં તેની પાછળ રાજકીય કાવતરું હોવાની શક્યતા સરકાર પણ સ્વીકારે છે. સરકાર અત્યારે તો કોંગ્રેસનો હાથ હોવાનું કહે છે પરંતુ પડદા પાછળ ભાજપના જ કેટલાક નેતાઓનો હાથ છે તેવી માહિતી મળતા હવે ભાજપના શંકાસ્પદ નેતાઓની યાદી પણ સરકારે તૈયાર કરી હોવાનું સૂત્રો જણાવે છે. આ પૈકીના કેટલાક નેતાઓને મુખ્ય પ્રધાને ખખડાવ્યા હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું. સરકાર હજુ ચોક્કસ લોકો સુધી પહોંચી નથી પરંતુ ૨૫મી રેલી પછી સરકાર આ મુદ્દો હાથ ઉપર લેશે.