નવી દિલ્હીઃ જ્યારથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી લોકોમાં ફક્ત એક જ ચર્ચા હતી કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે કેમ ચૂપ છે. અનામત આંદોલન પર પ્રતિક્રિયા આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ ઓગસ્ટે ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી જણાવ્યું હતું કે ૧૦ લોકોનો જીવ લેનાર આંદોલને સમગ્ર દેશને આઘાત પમાડ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં થયેલી હિંસાએ આખા દેશને વિચલિત કરી દીધો છે. ગાંધી અને સરદારની ભૂમિમાં જે કાંઇ બની રહ્યું છે તેનાથી દેશ આઘાતમાં છે અને દુઃખ અનુભવી રહ્યો છે.
ગુજરાતની જનતાની પ્રશંસા કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમના સહકારથી જ સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. બહુ ટૂંકાગાળામાં મારા ગુજરાતી ભાઇઓ અને બહેનોએ સ્થિતિને નિયંત્રણ હેઠળ લાવી દીધી હતી. ગુજરાતની જનતાએ સક્રિય ભૂમિકા ભજવીને પરિસ્થિતિને વણસવા દીધી નથી. તેથી રાજ્યમાં શાંતિ સ્થપાઇ છે. હું લોકોને વિકાસ માટે સાથે મળીને કામ કરવા ઇચ્છું છું. વિકાસ જ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે શાંતિ, એકતા અને ભાઇચારો એકમાત્ર સાચો માર્ગ છે.
• સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદો, કોંગ્રેસની માગઃ રાજ્યના કોંગ્રેસ એકમે છેલ્લા દોઢ-બેમહિનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગયેલી ગુજરાતની ભાજપ સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી છે. અનામત આંદોલનના તોફાનોમાં મૃત્યુ પામેલાઓને વિધાનસભા ગૃહમાં અંજલિ આપવાની તેમ જ તે અંગે ચર્ચા કરવાની તક નહીં અપાતાં અને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરાતાં કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસ કહે છે કે તોફાનો અંગે જવાબ આપવાનું ટાળા માટે જ ચર્ચાની તક નહોતી અપાઈ. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નાગરિકો પર તૂટી પડવાની છૂટ સરકારે પોલીસને આપી છે. આમ છતાં મુખ્ય પ્રધાન કહે છે કે હું તપાસ કરાવીશ. સ્પીકરે કોંગ્રેસના તમામ સભ્યોને ખોટી રીતે સસ્પેન્ડ કર્યાં છે.
•શિવ સેનાની નજરે હાર્દિક ગુજરાતનો હીરોઃ મહારાષ્ટ્રના શિવ સેના પક્ષ દ્વારા પાટીદાર યુવાન નેતા હાર્દિક પટેલને ગુજરાતનો હીરો કહેવામાં આવ્યો છે અને કહ્યું છે કે હાર્દિકે તેના સમાજમાં જે લોકચાહના મેળવી છે તે ભાજપ માટે સારા સંકેત નથી. આ સાથે જ શિવસેનાએ કહ્યું છે કે ગુજરાત શાંત રાજ્ય હોવાના ભાજપના દાવામાં હાર્દિકે પંક્ચર પાડી દીધું છે. તેમાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને નિશાન બનાવીને કહેવાયું છે કે આનંદીબેને મહારાષ્ટ્રના બિઝનેસમેનને ગુજરાતમાં વેપાર માટે આવવા આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે ગુજરાત શાંત, સ્થિર અને સુશાસનવાળું રાજ્ય છે. હવે શું થયું? જે યુવાનને હજી મૂછ પણ નથી ઊગી તેણે આ દાવો બોગસ પુરવાર કરીને ગુજરાતનો ચહેરો ઊઘાડો પાડી દીધો છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં કહેવાયું છે કે અત્યાર સુધી એવું મનાતું હતું કે નરેન્દ્ર મોદી એકમાત્ર રાજકીય નેતા છે, જે મોટી સંખ્યામાં જનમેદની એકત્ર કરી શકે છે. પણ હવે હાર્દિક પટેલ ક્રાઉડનો કિંગ બની ગયો છે જે ભાજપ માટે સારા સંકેત નથી. ‘હાર્દિક પટેલ ગુજરાતનો હીરો છે. તેની રેલીમાં ચાર-પાંચ લાખ માણસો આવે છે. ૨૫ ઓગસ્ટની અમદાવાદમાં તેની મહારેલીમાં તેણે રાજ્ય સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા,’ તેમ ‘સામના’માં લખાયું છે. તેમાં કહેવાયું કે અત્યાર સુધી મોદી સરદાર વલ્લભભાઈ પટેલનાં નામનો ઉપયોગ કરતા હતા, હવે હાર્દિક તે કામ કરી રહ્યો છે.
• અમદાવાદને રૂ. ૩૫૦૦ કરોડનું નુકસાનઃ અમદાવાદમાં ૨૫ ઓગસ્ટની રાતથી ફાટી નીકળેલા તોફાનોને પગલે શહેરના વિવિધ બજારો બુધવારે બંધ રહ્યા હતા. રિલીફ રોડ, ગાંધી રોડ વગેરે હોલસેલ, રિટેઇલ બજારો અને કેટલીક બેંકોએ બંધ પાળ્યો હતો. આથી અંદાજે રૂ. ૩૫૦૦ કરોડનું નુકસાન થયું હોવાની ધારણા છે. ગુજરાત સ્ટેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું કે, ગુજરાત બંધના એલાનના પગલે અન્ય શહેરોમાં ટિમ્બર માર્કેટ, મસાલા માર્કેટ, હાર્ડવેર માર્કેટ સહિત વિવિધ બજારો, પેટ્રોલ પંપ પણ બંધ રહ્યા હતા અને તેના કારણે વ્યાપક આર્થિક નુકસાન થયું છે.