ગાંધીનગરઃ અક્ષરધામ મંદિર ઉપર થયેલા આતંકવાદી હુમલા કેસમાં લશ્કર-એ તોયબાનો વોન્ટેડ ત્રાસવાદી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન ભાટને ગુજરાત ત્રાસવાદ વિરોધીદળે ૧૭ વર્ષે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી ઝડપી લીધો છે. આતંકીએ અક્ષરધામ મંદિર ઉપર હુમલો કરવા જમ્મુ-કાશ્મીર પાસિંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનું) બનાવીને તેમાં એકે૪૭ તથા અન્ય હથિયારો રાખ્યા હતા. આ એમ્બેસડર કાર ચાંદખાનને બરેલી મોકલી આપી હતી. અક્ષરધામ મંદિર ઉપર હુમલા બાદ આતંકવાદી યાસીન પાકિસ્તાન ઓકયુપાઇડ કાશ્મીર નાસી ગયો હતો.
અક્ષરધામ મંદિરમાં ૨૪-૯-૨૦૦૨ના રોજ બપોરે ૪.૩૦ આસપાસ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને એકે૪૭ રાઇફલ અને હેન્ડગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં દર્શનાર્થીઓ તથા રાઇડ્સમાં બેસેલા બાળકો ઉપર આડેધડ ગોળીબાર અને હેન્ડ ગ્રેન્ડ બોમ્બ ફેંકતા ત્રણ એસઆરપીના જવાનો સહિત ૩૩ લોકોનાં મોત નીપજ્યા હતા. ઘટનામાં ૨૩ પોલીસ જવાનો સહિત ૮૬ લોકોને ઈજા પહોંચી હતી.


