અમદાવાદ: અક્ષરધામ આતંકવાદી હુમલાના ૧૬ વર્ષ બાદ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા મહંમદ ફારૂક મહંમદ હનીફ શેખને ઝડપી લીધો છે. આરોપીએ તેના ભાઈ દ્વારા આતંકીઓ માટે સ્થળની રેકીથી લઈને અન્ય સવલતો સુધીની વ્યવસ્થા ગોઠવી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં અક્ષરધામ હુમલાના આરોપીઓ નિર્દોષ છૂટ્યા હોવા છતાં ફારૂક સામે હવે કોર્ટમાં કેસ ચલાવાશે. મૂળ સરખેજ ગ્યાસપુર તવક્કલ સોસાયટી ખાતે રહેતા આરોપી લાંબા સમયથી સાઉદી અરેબિયા સ્થાયી થયો હતો. આરોપીએ જૈસ એ મહમંદ, લશ્કર એ તોઇબા જેવા આતંકવાદી સંગઠનોના આગેવાનો અને સ્થાનિક યુવાનો સાથે મળી તોફાનોની વીડિયો કેસેટ બતાવતો હતો. તેને આધારે બદલો લેવા માટે પંડફાળો ઉઘરાવતા હતા. આ ઉપરાંત આરોપીએ તેના ભાી સલીમ તથા મહંમદ રશીદ સાથે મળી આદમ સુલેમાન અજમેરીનો સંપર્ક કર્યો હતો. તેમણે નાણાં અને હથિયારો તથા આતંકવાદી પ્રવૃત્તિ માટે માણસ આપવાની તૈયારી બતાવી હતી. જોકે અમદાવાદ આવનાર આતંકવાદીઓને રહેવા, જમવાની વ્યવસ્થા તેમજ ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરવામાં મદદ કરવા માટે અજમેરીને તૈયાર કર્યો હતો.


