અમદાવાદઃ અક્ષરધામ મંદિર પર ૨૪મી સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ, પંદર વર્ષ પહેલાં જૈશ-એ-મહંમદ અને લશ્કર એ તોયબા આતંકીઓએ કરેલા હુમલામાં ૩૬ લોકોના મોત નીપજયા હતા અને ૮૫ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ હુમલાના માસ્ટર માઇન્ડ અને ફાઇનાન્સર ગણાતો ફરાર અબ્દુલ રશીદ સુલેમાન અજમેરી ચોથીએ સવારે સાઉદી અરેબિયાથી અમદાવાદ એર પોર્ટ પર ઉતરાણ કરેલી ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યો હતો. તેને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ઇન્ટરનેશનલ એર પોર્ટ પર ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે કરેલા દાવા મુજબ, ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ગુજરાત રાજ્યમાં થયેલા કોમી તોફાનોમાં મુસ્લિમ કોમને મોટા પાયે થયેલા નુકશાનની સીડી તૈયાર કરાવી તેનો બદલો લેવા માટે પાકિસ્તાનના જૈશ-એ-મહંમદ તથા લશ્કર-એ-તોયબા આંતકવાદી સંગઠનોએ અમદાવાદ, હૈદરાબાદ, સાઉદી અરેબિયામાં મિટિંગો કરીને સીડી બતાવીને ફાળો એકઠો કર્યો હતો. આ ફાળો અબ્દુલ રશીદ અજમેરીએ તેના ભાઈ આદમ અજમેરીને દરિયાપુર મોકલી આપ્યો હતો. અમદાવાદમાં આંતકીઓ આવ્યા ત્યારે આદમ તથા અન્યોએ તેમને ફેરવ્યા અને ફાળાનો ઉપયોગ કર્યો હોવાનો ક્રાઈમ બ્રાન્ચે આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં આદમને આંતકીઓને હથિયારો આપવા, રહેવાની, જમવાની તથા ભીડભાડવાળા વિસ્તારોનો સર્વે કરી તમામ મદદની જવાબદારી સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચ જણાવે છે કે, આરોપી અબ્દુલ રશીદે સાઉદીમાં પાકિસ્તાનના જૈશ-એ-મહંમદ તથા લશ્કર-એ-તોયબાના આગેવાનો સાથે મળીને ફાળો એકઠો કર્યો હતો અને કાવતરું રચીને અક્ષરધામ મંદિર ઉપર હુમલો કરાવ્યો હતો. આ કેસમાં હજુ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ સહિત ૨૧ આરોપીઓ વોન્ટેડ છે.


