અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં મૃત્યુ પામેલા લોકો પૈકી 53 બ્રિટિશ નાગરિકો પણ હતા. એ સંદર્ભમાં ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોને અમદાવાદ અને ગાંધીનગર ખાતે ઉચ્ચ સરકારી અધિકારીઓ, મંત્રીઓ અને સત્તાધીશો સાથે બેઠકો યોજીને રાહત કામગીરી ખાસ કરીને ડીએનએ મેચિંગની પ્રક્રિયા અંગેની જાત માહિતી મેળવી હતી અને બ્રિટિશ નાગરિકોના પરિવારોને મૃતદેહો અને તેમનો માલસામાન સમયસર મળી રહે તે માટે સુચારુરૂપી વ્યવસ્થા ગોઠવવાની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત તેઓએ ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરની મુલાકાત લઈને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, યુકે અને ભારત સરકાર આ દુર્ઘટનાના સંદર્ભમાં પરસ્પર સહકાર માટે કટિબદ્ધ છે અને આપત્તિગ્રસ્ત લોકો પર આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં તમામ એજન્સીઓએ કરેલી કામગીરીને હું બિરદાવું છું.