અમદાવાદઃ આ અખાત્રીજે સમગ્ર રાજ્યમાં ૩૫૦ કિગ્રા સોનાનું વેચાણ થયું છે. જેમાં ૭૦ ટકા જેટલી ખરીદી ચેક અને ક્રેડિટ કાર્ડથી થઇ છે અને માત્ર ૩૦ ટકા સોનું રોકડથી વેચાયું છે, જે હાલમાં પ્રવર્તી રહેલી રોકડની અછત દર્શાવે છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં માત્ર ૩૦ ટકા વેચાણ કેશલેસ થતું હોય છે તેની સામે આ વખતે ઘણું ઓછું પ્રમાણ જોવા મળ્યું છે. જૂનું સોનું આપીને તેની સામે નવું સોનું ખરીદનારા લોકો પણ ઓછા હતા અને મહત્તમ લોકોએ નવું સોનું જ ખરીદ્યું છે. આ વખતે અખાત્રીજના શુભ દિવસે લોકોએ સલામત રોકાણ મનાતા સોનાની ખરીદીને પ્રાધાન્ય આપ્યું હોવાનું પણ સોનીઓ કહે છે.
બજારમાં ધમધમાટ
સોનાની ખરીદી માટે શુભ ગણાતા અખાત્રીજના દિવસે રાજ્યમાં લોકોએ મોટાપાયે સોનાની ખરીદી કરી હતી અને રૂ. ૩૨,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઊંચી સપાટીએ ભાવ હોવા છતાં રાજ્યમાં લગભગ રૂ. ૧૧૫ કરોડના મૂલ્યના ૩૫૦ કિગ્રા જેટલા સોનાનું વેચાણ થયું હોવાનો અંદાજ છે.
જ્વેલર્સ એસોસિએશન, અમદાવાદના પ્રમુખ રોહિતભાઇ ચોક્સીએ જણાવ્યું હતું કે, અખાત્રીજના દિવસે અમદાવાદમાં જ લગભગ ૧૨૫ કિગ્રા સોનાની ખરીદી થઇ હોવાનો અંદાજ છે. સોનાના ભાવ ઊંચા સ્તરે હોવા છતાં પ્રોત્સાહક ખરીદી જોવા મળી છે. રૂ. ૧.૫૦ લાખ સુધીની લાઇટ વેઇટ જ્વેલરીનું સારું વેચાણ થયું છે. શુકનવંતા દિવસે ગ્રાહકોએ સોનાના સિક્કાની પણ ખરીદી કરી છે. જોકે, ૧૦ ગ્રામ સુધીના સિક્કાની સારી ખરીદી થઈ છે.
ઝવેરી બજારના કેટલાક સોનીઓના મતે, ગયા વર્ષે અખાત્રીજ નિમિત્તે અમદાવાદમાં આશરે ૭૦ કિગ્રા સોનાનું વેચાણ થયું હતું જેની સરખામણીએ આ વર્ષે અખાત્રીજનો સર્વોચ્ચ ભાવ હોવા છતાં મોટાપાયે સોનાનું વેચાણ થયું છે તે એકંદરે અર્થતંત્ર માટે પણ પ્રોત્સાહક બાબત છે. સાથોસાથ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ તંગ હોવાથી સોનાને સલામત રોકાણ માનતા વર્ગે પણ સારી એવી ખરીદી કરી છે.


