ગાંધીનગરઃ અખિલ ભારતીય કોળી સમાજે દેશવિદેશના કોળી સમુદાયની સર્વોચ્ચ સંસ્થા છે. જ્યાં એક સમયે બે ટર્મ સુધી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અધ્યક્ષપદે હતા. તેમના સ્થાને ઉજ્જૈનના સાંસદ સત્યનારાયણ પવારને પણ આ જવાબદારી સોંપાયા બાદ ત્રણેક વર્ષ અગાઉ તત્સમયે ગુજરાતમાંથી કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા હતા.
અખિલ ભારતીય કોળી સમાજની અજમેરમાં મળેલી રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુજરાતના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાની રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે.
સમાજે આ બેઠકમાં એવો ઠરાવ કર્યો કે કુંવરજી બાવળિયા અગાઉ સમાજના પ્રમુખ હતા અને તે હોદ્દાની વગનો ઉપયોગ કરીને સમાજના નામે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. પરંતુ પછીથી તેઓ ભાજપમાં જતા રહ્યા અને પ્રધાન બની ગયા. આ પછી તેમણે તેમનો સ્વાર્થ સાધ્યો અને સમાજ માટે કોઇ કામગીરી કરી નહીં. તેથી તેમને આ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. સમાજે ઠરાવમાં એવું જણાવ્યું કે જૂન મહિનામાં જ પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયાં છતાં પદ ન છોડીને ગેરબંધારણીય રીતે હોદ્દો ભોગવ્યો હતો. હવે નવા પ્રમુખની ચૂંટણી થતાં અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ સુરતના અજિત પટેલની નિમણૂંક કરવામાં આવી છે.


