અમદાવાદઃ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના મૃત્યુ બાદ તેમની સાથેના મધુર સંભારણા યાદ કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, કેટલીક એવી રસપ્રદ વાતો છે કે જેની ઘણા બધાને ખબર પણ નથી. અટલજી જનસંઘના વખતથી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવતા હતા. યુવાનોમાં એ વખતે તેમના માટે જબરજસ્ત ક્રેઝ હતો. ભારતના અન્ય નેતાઓમાં તેઓ લોકો માટે હૃદયસમ્રાટ બન્યા હતા. એ ૧૯૮૦નું વર્ષ હતું. વાજપેયીજીની જૂનાગઢમાં જાહેર સભા યોજાઇ હતી. આ સભાના વ્યવસ્થાપક તરીકે મને જવાબદારી સોંપાઈ હતી.
વાજપેયી સાથે એમ્બેસેડર કારમાં બેસીને હું જૂનાગઢ ગયો હતો. એ વખતે રસ્તાઓ ખૂબ જ તૂટેલા-ફૂટેલા હતા આથી તેમણે જાહેરસભાના પ્રારંભે જ રમૂજ કરી હતી કે રાસ્તે મેં ખડ્ડે હૈ કે ખડ્ડે મેં રાસ્તે હૈ...' એ સભામાં હજારો લોકો ઉમટી પડયા હતા.
સિમલા કરાર પછી પાકિસ્તાનને જમીન પાછી આપી દેવાઇ હતી. કચ્છ સત્યાગ્રહમાં વાજપેયીજીએ દેશભક્તિને લઇને અનેક જાહેર-સભાઓમાં ભાષણો કર્યાં હતાં અને કવિતાઓ પણ ગાઇ હતી. જે આજે પણ અનેક કાર્યકર્તા અને જૂના જનસંઘી યાદ કરે છે.
રૂપાણી કહે છે કે, ૧૯૭૪માં ગુજરાતમાં પ્રથમ વખત બિનકોંગ્રેસી સરકાર બની હતી. જેમાં જનસંઘ, સ્વાતંત્ર્ય પક્ષ તથા અન્ય પક્ષોએ સાથે મળીને એલાયન્સની મિશ્ર સરકાર હતી. તેનું શ્રેય વાજપેયીને જાય છે. એ સમયથી એલાયન્સ પોલિટિક્સનો પ્રારંભ થયો તેમ કહી શકાય.
અટલ બિહારી વાજપેયીએ ૨૦૦૨માં ગુજરાતની મુલાકાત લીધી એ તેમની છેલ્લી મુલાકાત હતી. ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. એ સમયે તેઓ વડા પ્રધાન હતા. ગુજરાતની મુલાકાત વખતે તેઓએ કેટલાક સ્થળોની મુલાકાત પણ લીધી હતી, એવું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
રૂપાણીએ કહ્યું હતું કે, હું ૨૦૦૬માં રાજ્યસભાનો સભ્ય બન્યો હતો એ સમયે દિલ્હીમાં મેં વાજપેયીની મુલાકાત લીધી હતી. એ તેમની સાથેની મારી છેલ્લી મુલાકાત હતી. એકાદ મહિના પહેલાં નવી દિલ્હીમાં મળેલી નીતિ આયોગની બેઠકમાં હું ગયો ત્યારે તેમની ખબર કાઢવા એઇમ્સ ગયો હતો.
રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છમાં આવેલા ભૂકંપ બાદ અટલજીએ ત્રણ વખત કચ્છની મુલાકાત લીધી હતી. ગુજરાત માટે તેમને અપ્રતિમ પ્રેમ હોવાથી કચ્છને બેઠું કરવામાં તેમણે કોઇ જ કચાશ રાખી નહોતી. ભૂકંપ બાદ તેમણે ગુજરાતને શક્ય તેટલી વધુ આર્થિક સહાય અપાવી હતી.


