ગુજરાત હાઇ કોર્ટના જસ્ટિસના વડપણ હેઠળની સમિતિએ નબળી કામગીરી બદલ રાજ્યના ૧૮ ડિસ્ટ્રિક્ટ જજને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. આ તમામ જજના કાર્યકાળની સમીક્ષા કરી જે ડિસ્ટ્રિક્ટ જજની કામગીરી નબળી જણાઈ તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવાની ભલામણ કરવામાં આવે છે. હાઇ કોર્ટ જજના નેતૃત્વમાં બનેલી સમિતિના અહેવાલની ચીફ જસ્ટિસ પણ સમીક્ષા કરે છે.
• આધેડનો મૃતદેહ ૧૫ કલાક બાંકડે પડ્યો રહ્યોઃ પાટનગરના મુખ્ય માર્ગ ગણાતા ઘ-માર્ગ પર બસ સ્ટેન્ડની સામેના વિસ્તારમાં એક આધેડનો મૃતદેહ ૨૨મીએ બાંકડા પર લબડેલી હાલતમાં વહેલી સવારથી પડ્યો હતો. આ આધેડ દારૂના નશામાં અહીં પડ્યો હશે એમ માનીને કોઈએ તેને શું થયું છે? તે જાણવાની દરકાર કરી ન હતી. રાત્રે ઓફિસેથી ફરતાં પણ લોકોએ તેને એક જ સ્થિતિમાં જોતાં આશરે પંદર કલાકે પોલીસને જાણ કરાઈ કે એક જ સ્થિતિમાં બિનવારસી માણસ મળ્યો છે. એ પછી તબીબી અને પોલીસ તપાસમાં માણસને મૃત જાહેર કરાયો. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને વ્યક્તિની ઓળખ માટેની કાર્યવાહી કરીને અકસ્માતે મોતનો કેસ નોંધ્યો હતો.
• ડિફોલ્ટરોએ રૂ. ૪.૯૧ લાખ કરોડ ડૂબાડી દીધાઃ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાંથી જંગી રકમની લોન લઈને પરત ન ચૂકવનાર ડિફોલ્ટરોની સંખ્યા વધતી જાય છે અને પ્રકારે વિલફુલ ડિફોલ્ટરને કારણે અંદાજે રૂ. ૧૩ લાખ કરોડના શકમંદ લેણાં થઈ ગયા છે. ડિફોલ્ટરોમાં ૩૬૨ ગુજરાતી ડિફોલ્ટર છે. જેમણે રૂ. ૪.૯૧ લાખ કરોડ ડૂબાડ્યા છે. પ્રકારના ડિફોલ્ટરો સામે કર્મચારીઓએ કડક પગલાં લઈ શકાય તે માટે કાનૂની જોગવાઈઓમાં સુધારા કરીને તેમજ ત્રણ મહિનામાં કેસની પતાવટ કરીને કસૂરવારને કેદ અને દંડ સહિત આકરી સજા ફટકારવાની મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને માગ કરી છે.
• પ્રેમસંબંધમાં આડખીલી બનતાં પતિની હત્યાઃ અમદાવાદ જિલ્લાના ચલોડાથી ચડીસર જતા અપ્રોચ રોડ પરથી ૧૫ દિવસ પહેલાં એક યુવાન મહેશ પટેલની લાશ મળી હતી. પોલીસે જણાવ્યું કે, તપાસમાં આ યુવકની હત્યા પાછળ તેની જ સ્વરૂપાન પત્ની ગોપી પટેલ અને પ્રેમી દશરથ ઠાકોર હોવાનું ખૂલ્યું છે. ગોપીએ અને દશરથે મળીને મહેશને માર મારી તેની પર કાર ફેરવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સમગ્ર કેસનો ભેદ ઉકેલતાં ગોપી પટેલ, દશરથ ઠાકોર સહિત ૬ની ધરપકડ કરી હતી.
• ૧૯ ફૂટની દીવાલ ફલાંગી કેદી ફરારઃ સાબમરતી સેન્ટ્રલ જેલમાં આધુનિક હથિયારો સાથે રાઉન્ડ ધી કલોક જવાનો ખડે પગે હોવા છતાં હત્યાનો આરોપી પ્રવીણ ઉર્ફે ભોલો પરસોત્તમભાઈ ૧૯ ફૂટની દિવાલ કૂદીને નાસી ગયો. ચાર મિનિટમાં જ દિવાલ પર ચઢીને ૭ હજાર કિલો વોલ્ટના કરંટની વાડને કૂદીને તે જતો રહેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ગૂંચવણમાં છે. આરોપી નાસી ગયા બાદ સીસીટીવી ફૂટેજમાં તેન પોલીસે નિરીક્ષણ કર્યું હતું. હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે.

