અમદાવાદઃ ૧૭મીએ મ્યુનિસિપાલિટી દ્વારા રૂ. ૭૫૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાસજ્જ સરદાર પટેલ હોસ્પિટલનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ ૧૮ માળની હોસ્પિટલની વિશેષતા એ છે કે ૧૮મા માળના ટેરેસ ઉપર પબ્લિક હોસ્પિટલમાં પહેલી વખત એર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે. ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે હેલિકોપ્ટર ઉતરે ત્યારે બિલ્ડીંગમાં જર્ક આવે નહીં તે પ્રકારનું બાંધકામ છે. ઉલ્લેખનીય છે કે ૧૯૩૧માં ૨૩ એકર જમીનમાં શરૂ થયેલી ઐતિહાસિક વી. એસ. હોસ્પિટલના સંકુલમાં રિવરફ્રન્ટ તરફ ૪.૫૮ એકર જમીન મર્જ કરીને તેના પર ત્રણ ટાવરનું ૧.૧૦ લાખ ચો. મીટર વિશાળ બાંધકામ આધુનિક સુવિધાથી સજ્જ અને નયનરમ્ય રીતે કરાયું છે.
એક ફ્લોર પર એક ફુટબોલ ગ્રાઉન્ડ જેટલું બાંધકામ હોવાથી કુલ ૧૮ ફુટબોલ ગ્રાઉન્ડ જેટલું બાંધકામ થયું છે. રાતના સમયે પણ હેલિકોપ્ટર ઉતારવાનું થાય તો તે માટે સિગ્નલ આપતી સ્પેશ્યલ જર્મનીની એરપોર્ટ ઓથોરિટિએ અપ્રુવલ કરેલી એચએપીઆઇ લાઇટો નખાઇ છે. બિલ્ડીંગના બાંધકામમાં રૂ. ૫૮૨ કરોડનો અને મેડિકલ સાધનો પાછળ રૂ. ૧૬૮ કરોડનો ખર્ચ કરાયો છે જ્યારે હોસ્પિટલ ચલાવવા માટે દર વર્ષે રૂ. ૩૫૦ કરોડની રકમ જોઇશે.
હોસ્પિટલમાં ૨૦૦૦ ટનની ક્ષમતાનો એસી પ્લાન્ટ નખાયો છે જેના દ્વારા સ્પેશ્યલ રૂમ, ૩૨ ઓપરેશન થિયેટર, બ્લડબેંક, આઇસીસીયુ વોર્ડ સહિત જરૂરી તમામ જગ્યા વાતાનુકુલિત રહેશે જ્યારે જનરલ વોર્ડ અને ખુલ્લા પેસેજમાં ટીએફએ-ટ્રીટેડ ફ્રેશ એર મળતી રહેશે. જે બહારના હવામાનથી ૭ થી ૯ ડિગ્રી નીચે હશે તેવો પ્લાન્ટ નખાયો છે.
૭.૫ મેગાવોટનું વીજળીનું સબસ્ટેશન અહીં ઉભું કરાયું છે જેમાં બેકઅપની સુવિધા હોવાથી વીજળી જાય ત્યારે પણ ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ રહેશે. ન્યુમેરિક ટયુબ સિસ્ટમના ૯૦ સ્ટેશન રખાયા છે જ્યાંથી એક સેકન્ડમાં ૬થી ૮ મીટરની ઝડપે લોહીના સેમ્પલ, રિપોર્ટ જરૂરી દવાઓની હેરફેર તથા ફ્લોરથી બીજા ફ્લોર વચ્ચે થઇ શકશે.
કમિશનર વિજય નહેરા અને તેમની ટીમે દોઢ વર્ષમાં જે કામગીરી થાય તે ત્રણ મહિનામાં દોડાદોડી કરીને પૂરી કરી છે. રૂ. ૧૨ કરોડનું ૩ ટેસ્લા એમઆરઆઇ મશીન, ૧૨૮ સ્લાઇસ સીટી સ્કેન સહિત અત્યાધુનિક મશીનો વસાવવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલના ટેન્ડરમાં ભાગ લેવામાં રુચિ નહીં રાખતી કંપનીઓને સામેથી બોલાવીને સમજાવી, તમામ બાબતો ઉત્તમ કક્ષાની જ હોય તેના પર ખાસ ધ્યાન અપાયું છે.
હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સુવિધા હોવા છતાં કોઇ પણ કોર્પોરેટ હોસ્પિટલ કરતાં તેના ચાર્જીસ અત્યંત નીચા રખાયા છે. જનરલ વોર્ડમાં એક દિવસના રૂ. ૩૦૦ બે સમય જમવાની સુવિધા સાથે છે. એક રૂમમાં બે બેડ હોય તેવા સેમી સ્પેશ્યલ રૂમના રૂ. ૧૫૦૦, ડિલક્ષ રૂમના ૨૦૦૦ અને ફાઇવસ્ટાર હોટલ જેવા વોર્ડમાં પેશન્ટ સાથે કુટુંબની વ્યક્તિને સુવાની અને માલસામાન રાખવાની સુવિધા રખાઇ છે. બે બેડની વચ્ચે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગસવાળા વિદેશી મટિરિયલ્સના પડદા રખાયા છે. દરેક જનરલ વોર્ડ સાથે એક આઇસોલેટેડ વોર્ડ રખાયો છે. ૧૮મી માળે ૩૫૭ વિદ્યાર્થીઓ બેસીને સ્ક્રીન પર ઓપરેશન થિયેટરમાં થતી શસ્ત્રક્રિયા જોઇ શકશે તેમજ ડોકટરનો અવાજ સાંભળી શકશે.

