ગુજરાત અને ભારત માટે આ ગર્વની ક્ષણ છે. શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન એ સન્માન અને જવાબદારી બન્ને છે. અમદાવાદ માત્ર કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાની નથી કરી રહ્યું, તે તમને આવકારી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં બે સૂત્રો છે, વસુધૈવ કુટુમ્બકમ્ અને અતિથિ દેવો ભવઃ. અમે કહેવા માગીએ છીએ કે અમદાવાદ માત્ર તમારું મુલાકાતનું સ્થળ જ નહીં. તમારું બીજું ઘર બની જશે. વૈશ્વિક કક્ષાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સંપૂર્ણ તૈયાર છે. અમદાવાદનું હવામાન જોતાં ઓક્ટોબર મહિનો આયોજન માટે શ્રેષ્ઠ રહેશે. અહીં નવરાત્રિ અને દિવાળી જેવાં બે મોટાં તહેવારો ઉજવાય છે. કોમનવેલ્થ ગેમ્સની કમિટી સાથે તારીખો અંગે ચર્ચા થશે, પણ આ સમય ઉત્તમ રહેશે. એક મહિનામાં ગુજરાત સરકાર આયોજન સમિતિની રચશે. અમારી પાસે મોટાભાગના સ્ટેડિયમ તૈયાર છે અને આજે જ કોમનવેલ્થ ગેમ્સ શરૂ કરવી હોય તો પણ નાનામોટા ફેરફાર કરીને તરત તે શરૂ કરી શકાય તેટલી તૈયારી છે. જોકે અમે ટ્રાન્સ્પોર્ટેશન અને ખેલાડીઓ, આયોજન સમિતિઓ અને દર્શકોના રોકાવાની વ્યવસ્થા માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છીએ જે 2028નું વર્ષ પૂરું થતાં કે 2029ના પ્રારંભે તૈયાર હશે. અમે પોલીસ એન્ડ ફાયર ગેમ્સ હોસ્ટ કરી રહ્યા છીએ, જેમાં વિશ્વમાંથી 10 હજાર ખેલાડી આવશે. આ પહેલાં પણ ઘણી બધી રમતની ઈવેન્ટ્સ અહીં યોજાઇ છે અને ભવિષ્યમાં પણ યોજીશું. વડાપ્રધાન અને ભારત સરકારની ઈચ્છા છે કે અમદાવાદને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવું છે.
- હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત


