અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકાના અતિમેદસ્વિતાથી પીડાતા ત્રણ ભાઇ-બહેનને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ત્રણેયનું વજન કેમ વધ્યું છે, તેનું નિદાન થઇ શક્યું નથી. જોકે, ખુશીની વાત એ છે કે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકોના રોગના નિદાન અને સારવાર માટે યુકેના કેમ્બ્રિજના ઓબેસીટી નિષ્ણાતોની મદદ લેવાઈ છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, હોસ્પિટલતંત્ર દ્વારા બાળકોની સારવાર ઝડપથી શરૂ થાય તે માટે જીનેટિક એનાલિસીસ સહિતની તપાસ થઇ રહી છે.
બાળકોની સારવાર કરતાં સિવિલના પીડિયાટ્રિશિયન ડો. ચારુલ પુરાણીએ જણાવ્યું હતું કે, બાળકોની સારવાર માટે યુકેના કેમ્બ્રિજમાં ઓબેસીટી નિષ્ણાતોએ મદદની તૈયારી બતાવી છે. અત્યારે અમે તેમની સાથે ઇન્ટરનેટ, ફોન અને ઇ-મેઇલ દ્વારા સતત સંપર્કમાં છીએ. ગુજરાત સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સાયન્ટિસ્ટની મદદથી બાળકોના રંગસૂત્રોની તપાસ માટે જીનેટિકલ એનાલિસીસ હાથ ધર્યું છે, જેના માટે બાળકોના બ્લડ સેમ્પલ લઇ ગયાં છે, જેને આધારે રંગસૂત્રોમાં ખામી છે કે નહિ તેનું નિદાન થયાં બાદ સારવાર શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે આ બાળકોના ગરીબ પિતાએ તેમના ખાધાખોરાકી માટે પોતાની કિડની વેચવા મુકી હોવાની અહેવાલ પ્રકાશિત થતા રાજ્ય સરકારે તેમની સારવારની જવાબદારી ઉઠાવી હતી.