ગાંધીનગરઃ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવેલા અતિભારે વરસાદને કારણે ૩૧ જુલાઇ સુધીમાં સત્તાવાર રીતે ૨૩ લોકોનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત પૂરને કારણે ૮૯૪૦ પશુના મોત થયા છે, જ્યારે હજી ચાર વ્યક્તિ પૂરમાં લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદ બંધ થતાં હવે ઝડપથી પરિસ્થિતિ થાળે પડી રહી છે. જોકે, હવે સફાઈને પ્રાધાન્ય આપીને રોગચાળો પ્રસરતો અટકાવાની પડકારરૂપ કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની બાવન જેટલી ટીમોને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોકલવામાં આવી છે. અમદાવાદની સોલા સિવિલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાંથી ૨૦ ડોક્ટર્સને બનાસકાંઠા મોકલવામાં આવ્યા છે. એવી જ રીતે મૃત પશુઓના પદ્ધતિસરના નિકાલ માટે પશુપાલન વિભાગની ૭૩ ટીમો કાર્યરત છે.