અત્યાચાર સામે આંબેડકર જેમ લડોઃ કેજરીવાલની દલિતોને સલાહ

Saturday 23rd July 2016 06:26 EDT
 
 

રાજકોટઃ શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા પીડિત દલિત યુવાનોની અને ઉનાના મોટા સમઢિયાળા ખાતે પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ દિલ્હીનાં મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી રહેલા દલિત યુવાનોને સલાહ આપી હતી કે, ડો. બાબાસાહેબ આંબેડકર પર જ્યારે અત્યાચાર થયો ત્યારે તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો નહોતો, પરંતુ આંદોલન કર્યું હતું. આથી તમે પણ આત્મહત્યા નહીં પણ આંદોલન કરો.’
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દલિત યુવાનોને મળીને કેજરીવાલે તેમને આશ્વાસન આપ્યું હતું તેમજ હિંમત રાખવા કહ્યું હતું. હોસ્પિટલ બહાર મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, 'ઉનામાં પોલીસ સ્ટેશન સામે પોલીસની હાજરીમાં જ બનાવ બન્યો છે. તેનો અર્થ એ થાય છે કે, સરકારના ઈશારે આ બધું થયું છે. આ ઘટનામાં ૪૦ લોકોની સંડોવણી સામે કેવળ ૧૭ આરોપીઓની જ ધરપકડ થઈ છે.’
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ૨૦૧૨માં પણ દલિતોની હત્યા થઈ હતી, જે મામલે હજુ સુધી કોઈની સામે પગલાં લેવાયાં નથી. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. પ્રશાસનની સંડોવણી વિના ઉનાની ઘટના સંભવ નથી. ગુજરાતની સરકાર દલિતો પર દમન કરી રહી છે. મેં દલિત યુવાનોને પૂછયું કે કેમ આત્મહત્યાનો પ્રયાસ કર્યો? તો કહે કે અમારા પર અત્યાચાર વધી રહ્યાં છે એટલે. મેં તેમને આમ્બેડકરનું ઉદાહરણ આપ્યું. આત્મહત્યા કરવાને બદલે તેમની જેમ આંદોલન કરવા કહ્યું.
કેજરીવાલે આક્ષેપ કર્યો કે આંદોલનકારીઓ સામે બનાવટી કેસ નોંધવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલનમાં ૨૦૦૦ યુવાનો વિરુદ્ધ નકલી કેસ દાખલ થયા હતા. આ તમામ કેસ તરત રદ થવા જોઈએ. મારે ભાજપની સરકારને કહેવું છે કે, ઉપરવાળો બધું જ જુએ છે. તમારો અન્યાય ઝાઝા દિવસ ચાલશે નહીં. ગુજરાતમાં તમામ જાતિ અને ધર્મના લોકો મળીને ભાજપને સબક શીખવશે.
અરવિંદ કેજરીવાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સર્જીકલ વોર્ડ અને ઈમર્જન્સી વોર્ડમાં દલિત યુવાનોને મળ્યા હતાં. તથા તેમની કરુણ કથા સાંભળી હૈયાધારણા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter