અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં સરસ્વતી નટવરલાલ ભગવતી તેમજ એએમએ સેન્ટર ફોર લીડરશિપ દ્વારા ચાલતી વ્યાખ્યાનમાળામાં સાતમી એપ્રિલે લોર્ડ મેઘનાદ દેસાઈનું ‘ડેમોક્રેસીઃ લીડરશીપ ચેલેન્જિસ ઇન ગવર્નન્સ’ વિશે વ્યાખ્યાન યોજાયું હતું. આ વ્યાખ્યાનમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ભારતનું બંધારણ ઘડાયું ત્યારે પશ્ચિમી મોડલ હતું. હવે તેનું ભારતીયકરણ થઈ રહ્યું છે. કોઈ પાર્ટીના આદર્શોમાં મોટો તફાવત નથી, જોકે ભારતે દરેક પાર્ટીને અનુભૂતિ કરાવી છે કે જનતાની શક્તિને હળવાશથી ન લેવી. હજુ પણ પોલિટિકલ ટ્રાન્ઝિશનનો પીરિયડ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ છે.
વકરતા જાતિવાદની સમસ્યા મુદ્દે તેમણે કહ્યું કે, આપણે એક દેશ નહીં પણ અલગ અલગ ૨૮ દેશમાં હોય તેવી સ્થિતિ છે. તેમાં દલિતોનો દેશ અલગ, મુસ્લિમોનો અલગ અને ઓબીસીનો અલગ દેશ હોય તેવી સ્થિતિ છે. સરવાળે હજુ આપણે એક રાષ્ટ્ર બનાવી રહ્યા છે. હજુ આપણે રાજનીતિથી જ જાણે દરેક સમસ્યાનું નિરાકરણ લાવવું છે પણ રાજકારણ વધારે પડતું કામ કરતા મશીન જેવું છે. જનતા પાસે અપાર શક્તિ છે અને તેની અનુભૂતિ પણ લોકો રાજકીય પક્ષોને કરાવતા રહ્યા છે ત્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં વર્તમાન સરકારને લોકો ફરીથી ચાન્સ આપશે કે નહીં તે અત્યારથી કહેવું મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે, આર્થિક દૃષ્ટીએ ભારતમાં સર્વિસ ઇકોનોમી છે. ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી નહીં. આપણને બહુ પાછળથી સમજાયું કે આપણું કામ સોફ્ટવેરનું છે, હાર્ડવેરનું નહીં. ફ્રી માર્કેટ માટે સ્માર્ટ ગવર્નમેન્ટ જોઈએ. સિંગાપોર, કોરિયા કે જાપાને એક્સપોર્ટથી માર્કેટનો ગ્રોથ કર્યો. આપણી ગવર્નમેન્ટ સ્ટુપીડ છે. આપણે જ ખોટી સરકારોની પસંદગી કરી છે. તેમણે જણાવ્યું કે, ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને રાજકારણ અને ભ્રષ્ટાચારને શક્તિશાળી બનાવ્યા. હું બેંકોનું ખાનગીકરણ કરવાની સલાહ આપું છું. દુનિયાના કોઈ દેશમાં ૨૮ જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો નહિ હોય. એક જ બેંક રાખો.
વડા પ્રધાન બનવું જરૂરી નથી
ઓડિયન્સમાંથી તેમને પુછાયું કે નવા નેતાઓ અને રાજકીય ક્રાંતિ અંગે શું કહેશો? તો લોર્ડ મેઘનાદે જણાવ્યું કે, નીચલા સ્તરેથી રાજકીય ક્રાંતિ થઇ શકે. જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ તેનું ઉદાહરણ છે. ઉત્તર પ્રદેશના દલિત સમાજના નેતા કાંશીરામ અને સમાજવાદી નેતા રામમનોહર લોહિયા બેમાંથી એકેય ક્યારેય વડા પ્રધાન નહોતા બન્યા. રાજકારણમાં પરિવર્તન લાવવા વડા પ્રધાન બનવું જરૂરી નથી.


