અદાણી ગ્રૂપ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ૭૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે

Sunday 28th November 2021 06:32 EST
 
 

અમદાવાદઃ અદાણી ગ્રૂપના સર્વેસર્વા ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે વિશ્વમાં સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી જૂથ બનવા માટે તેઓ આગામી એક દસકામાં ૭૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે. અદાણી ગ્રૂપ વિશ્વમાં સૌથી સસ્તાં હાઈડ્રોજનનું ઉત્પાદન કરશે એમ તેમણે ઉમેર્યું હતું. વિશ્વમાં સૌથી મોટી સોલાર પાવર ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિ. (એજીઈએલ) ૨૦૩૦ સુધીમાં ૪૫ ગીગાવોટ્સ રિન્યૂએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્ય ધરાવે છે અને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં પ્રતિ વર્ષ ૨ જીવી સોલાર મેન્યૂફ્ેક્ચરિંગ ક્ષમતા વિકસાવવા માટે ૨૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે.
ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પાવર ટ્રાન્સમિશન અને રિટેલ ડિસ્ટ્રિબ્યૂશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. (એટીએલ) નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં રિન્યૂએબલ પાવર પ્રોક્યોર્મેન્ટના હિસ્સાને વર્તમાન ૩ ટકા પરથી વધારી ૩૦ ટકા પર લઈ જવા ઈચ્છે છે. જ્યારે ૨૦૨૯-૩૦ સુધીમાં તે રિન્યૂએબલ પાવર પ્રોક્યોર્મેન્ટને ૭૦ ટકા સુધી લઈ જશે.
બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનોમિક ફેરમ ખાતે બોલતાં અદાણી જૂથના ફઉન્ડર ચેરમેને જણાવ્યું હતું કે તેમનું જૂથ રિન્યૂએબલ એનર્જીને ફોસિલ ફ્યૂઅલ્સના એક વિકલ્પ તરીકે શક્ય અને પોષણક્ષમ બનાવવામાં સક્રિય છે.
અદાણીએ જણાવ્યું હતું કે તેઓ ૨૦૩૦ સુધીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ વિના વિશ્વની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની બનવાની અપેક્ષા રાખે છે. આ લક્ષ્યને સાકાર કરવા માટે અમે આગામી એક દાયકામાં ૭૦ બિલિયન ડોલરનું કમિટમેન્ટ કર્યું છે. અન્ય કોઈ કંપનીએ તેના સસ્ટેનેબિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરવા માટે હજુ સુધી આટલી જંગી રકમની પ્રતિબદ્ધતા દર્શાવી નથી એમ અદાણીએ ઉમેર્યું હતું. જોકે તેમણે હાઈડ્રોજન ઉત્પાદનની યોજના અંગે કોઈ વિગતો આપી નહોતી. તેમણે વધુમાં કહ્યું હતું કે અદાણી જૂથના પરિપ્રેક્ષ્યમાં જણાવું તો અમે વિશ્વમાં સૌથી સસ્તો હાઈડ્રોજન પેદા કરવાની મજબૂત સ્થિતિમાં છીએ એમ અદાણીએ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter