અદાણીએ ઓસ્ટ્રેલિયામાં એક્ટિવિસ્ટના પરિવારની જાસૂસી કરાવી ફોટા પડાવ્યા

Tuesday 03rd November 2020 11:49 EST
 
 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં અદાણીની સામે પડેલા પર્યાવરણ જાગૃતિ કાર્યકર બેન પેન્નિગ્સની પત્ની અને પુત્રીની જાસૂસી કરવા તેમજ ફોટા પાડવા માટે ખાનગી જાસૂસને અદાણી દ્વારા રોકવામાં આવ્યો હોવાના અહેવાલ ૨૯મી ઓક્ટોબરે બહાર આવ્યા હતા. આ જાસૂસે કોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યું કે, એક્ટિવિસ્ટની પત્ની અને પુત્રીની જાસૂસી કરી હતી અને ખાનગી ફોટોગ્રાફ પાડીને અદાણી ગ્રૂપને આપ્યા હતા. આવા એક ફોટામાં બેન પેન્નિગ્સ તેમની ૯ વર્ષની પુત્રીને લઈને સ્કૂલમાં મૂકવા જતા હોવાનું કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં જણાઈ આવ્યું હતું.

એક્ટિવિસ્ટ બેન પેન્નિગ્સ સામેનાં સિવિલ કેસમાં અદાણી ગ્રૂપના વકીલે રજૂ કરેલી એફિડેવિટમાં ખાનગી જાસૂસે કબૂલાત કરી હતી કે, તેણે બેન પેન્નિગ્સની પત્નીનાં ફેસબુક પેજની પણ જાસૂસી કરી હતી અને તેનાં કામકાજનાં સ્થળે પીછો કર્યો હતો. ‘ધ ગાર્ડિયન’માં આ કેસની સનસનાટી ભરેલી વિગતો પ્રસિદ્ધ થતાં ચકચાર મચી હતી.

કાનૂની અધિકારોનાં રક્ષણ માટે પગલું લીધું

અદાણી ગ્રૂપે કહ્યું હતું કે, અદાણી ગ્રૂપની માઈનિંગ કંપની દ્વારા વિવાદાસ્પદ કાર્માઈકલ કોલમાઈન્સ પ્રોજેક્ટમાં કેટલાક પર્યાવરણવિદો દ્વારા અવરોધો સર્જવામાં આવતા અદાણી ગ્રૂપે પેન્નિગ્સ સામે કેસ કર્યો હતો. પેન્નિગ્સ ગેલિલી બ્લોકેડ ગ્રૂપ વતી કામ કરતા હોવાનું જણાયું હતું. આ પ્રોજેક્ટ સામે પેન્નિગ્સ દ્વારા સતત કાવતરાં ઘડીને તેને રોકવાની કોશિશ કરાઈ હતી. અમારા કાનૂની અધિકારો તેમજ અમારા કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટરોના અધિકારોનાં રક્ષણ માટે અમે પેન્નિગ્સ સામે કેસ કર્યો હતો. અમે પેન્નિગ્સ સામે કેટલાક કાનૂની પુરાવા એકઠા કર્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter