અનામત આંદોલનકર્તાઓ સામે આનંદીબેન આકરે પાણીએ

Friday 18th September 2015 05:30 EDT
 
 

ગાંધીનગરઃ છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન અંગે અત્યાર સુધી મૌન રહેલાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની નારાજગી હવે જાહેર થઇ છે.

૧૭ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શૌચાલય પૂરા પાડવાના ક્ષેત્રમાં સારી કામગીરી કરનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સન્માન સમારંભના કાર્યક્રમમાં આનંદીબહેને આંદોલનકારીઓને આડકતરી રીતે આડે હાથે લીધા હતા. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘આજના ૨૫-૩૦ વર્ષના યુવાનોને ખબર નથી, પણ ૧૯૬૭, ૧૯૮૫ અને ૧૯૮૭માં થયેલા આંદોલનો બાદ શું પરિણામ આવ્યું હતું તે અમે જોયું છે અને તેના માટે જ આજે શાંતિ અને એકતા જાળવવા માટે સમાજના આગેવાનો ચિંતિત છે. સરદાર પટેલે રજવાડાં એક કરીને દેશને એક કરવાનું કામ કર્યું હતું અને એમના વંશજો તરીકે આપણે શું કરી રહ્યા છીએ, ગુજરાતમાં વર્ગવિગ્રહને કોઈ સ્થાન હોવું ન જોઈએ. જેનો જે અધિકાર છે તેને તે અધિકાર આપવાનું કામ સરકાર કરે છે. જેથી અન્યાયની વાતો પોકળ છે. કોને કયા પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે તે કોઈ આવીને કહેતું નથી ને પડદા પાછળ હંબક વાતો થાય છે.’ રાજ્યમાં શિક્ષણની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે એન્જિનિયરિંગની જગ્યાઓ ખાલી રહે છે. મેડિકલની કુલ ૩૨૫૦ સીટો છે, જેમાં દરેકને સીટ પ્રમાણે પ્રવેશ મળે છે. જો કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તો અને તે ફી ન ભરી શકવાનો હોય તો સરકાર તેની ફી ભરવા તૈયાર છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો કોઈ એડમિશનથી વંચિત રહી જતું હોય તો સરકાર નવી કોલેજો બનાવવા તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter