પાટીદારોને અનામત અથવા ઓબીસી આપો. રાજસ્થાન પેટર્ન નહીં ચાલે. તમામ યુવાનો પરના કેસો પાછા ખેંચો. પટેલ નિગમ અથવા આયોગ બનાવો. પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ દમનનો ભોગ બનેલાને રૂ. ૧૫ લાખનું વળતર આપો. પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રીઓએ આવા ૨૭ મુદ્દાઓની યાદી બીજી માર્ચના રોજ સુરતમાં બોલાવાયેલી પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી. પાસના દસ કન્વીનર્સ હાર્દિક પટેલને મળવા લાજપોર જેલમાં ગયા હતા. તેઓની હાર્દિક પટેલ સાથે એક કલાક મિટિંગ ચાલી હતી. એ મિટિંગ બાદ પાસ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. જેમાં હાર્દિકે આપેલા ૨૭ મુદ્દાઓ વિશે માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર પાસના કન્વીનર લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ૧૦ દિવસમાં સરકાર અમારા ૨૭ મુદ્દાઓ પર નિર્ણય નહીં લે તો ફરી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન થશે.
હાર્દિકે આપેલા ૨૭ મુદ્દા પાસ દ્વારા સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને અન્ય મધ્યસ્થીઓને તથા સુરતના અગ્રણીઓને અપાયા છે. હાર્દિકને મળવા ગયેલા કન્વીનર્સે સમાધાન અને આગળની રણનીતિ વિશે પણ ચર્ચા કરી હતી. જેમાં જો ૧૦ દિવસમાં નિર્ણય નહીં આવે તો રાજપીપળાથી સરદારના મૂળ વતન કરમસદ સુધીની કળશયાત્રા કાઢવાનું આયોજન પણ છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકે સરકાર સામે મૂકેલા ૨૭ મુદ્દાઓમાં પાટીદારોને અનામત સિવાય અન્ય જ્ઞાતિના હિત અને સમાજ કલ્યાણ મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.
પાટીદારોની ૨૭ માંગણીઓ
૧. પટેલ સમાજને અનામત આપો અથવા ઓબીસી આપો રાજસ્થાન પેટર્ન પ્રમાણે નહીં ચાલે.
૨. તમામ યુવાનો પરના કેસ પાછા ખેંચો
૩. પટેલ નિગમ અથવા આયોગ બનાવો.
૪. પોલીસ દમનનો ભોગ બનેલાને રૂ. ૧૫ લાખનું વળતર અને સુરેન્દ્રનગર દલિતોની હત્યા થઈ તેમને રૂ. ૧૦ લાખનું વળતર.
૫. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનની હત્યા કરનાર પોલીસ પર કાર્યવાહી.
૬. ખાનગી શાળા કોલેજમાં મેરિટ પ્રથાનો અમલ કરવો.
૭. રોસ્ટર પદ્ધતિને નાબૂદ કરાય
૮. રાજ્યમાં ઓછી જમીન ધરાવનારા પરિવાર માટે સહાય નિગમ બને અને તે દરેક જ્ઞાતિ માટે ઉપયોગી બને. આ પરિવારને એસસી એસટીના લાભ મળે.
૯. ખાનગી શાળામાં કોલેજમાં મેનેજમેન્ટ સીટ તેમજ ડોનેશન સીટ પર સરકાર ૮૦ ટકા રાહત આપે
૧૦. રાજ્યના તમામ તાલુકામાં બે સરકારી શાળા હોય. વિશાળ તાલુકામાં સરકારી કોલેજ બને.
૧૧. તમામ જાતિના યુવાનો માટે વગર વ્યાજે ધંધા માટે લોન મળે.
૧૨. રાજ્યની કંપનીઓને ૮૦ ટકા રાહત આપે
૧૩. રાજ્યની સરકાર વધુમાં વધુ રોજગારી ઊભી કરે.
૧૪. રાજ્યમાં ૫૦૦ એમબીબીએસની સીટમાં વધારો કરે.
૧૫. ખાનગી શાળા કોલેજમાં ડોનેશન બંધ કરાય.
૧૬. ખેડૂતોના ઉત્પાદનના ભાવ પર તાત્કાલિક નિર્ણય લેવાય.
૧૭. ખેડૂતની મંજૂરી તથા સહી વગર જમીન સંપાદન કરવામાં ન આવે
૧૮. ખેતરની માલિકીમાં હાઈવોલ્ટેજ વીજ થાંભલા મૂકવા માટે યોગ્ય વળતર દર મહિને અપાય અને ખેતરના છેડે લગાવવામાં આવે.
૧૯. ખેડૂતને સંપૂર્ણ કરમુક્ત લોન આપો.
૨૦. ખેડૂતના મુખ્ય પ્રશ્નો જેવા કે પાણી, વીજળી અને પશુ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાય.
૨૧. કોર્ટ મેરેજ માટે યુવાન અથવા યુવતીના માતા અથવા પિતાની સહી જરૂરી હોવી જોઈએ.
૨૨. રાજ્યની બહેનોની ખાનગી કે સરકારી હોસ્ટેલોની ફી સરકાર ૬૦ ટકા ભરે
૨૩. રાજ્યને સંપૂર્ણ વ્યસનમુક્ત કરાય. બુટલેગરો માટે કાયદેસરની આવક ઉભી કરાય.
૨૪. દલિત, આદિવાસી તથા મુસ્લિમ સમાજ માટે શહેરમાં છાત્રાલય અથવા આશ્રમ બને.
૨૫. ઠાકોર, કોળી સમાજની જમીન હડપ કરતા જમીન માફિયા તથા ઉદ્યોગપતિને રોકવા માટે રાજ્ય જમીન અધિકારી સમિતિની રચના કરાય.
૨૬. રાજ્યમાં સરકારી નોકરી માટેની ભરતીમાં પ્રવેશ ફી માફ થાય.
૨૭. વિધવા બહેનોને સરકારી નોકરીમાં સ્થાન મળે.


