અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટના આદેશને પગલે હાર્દિક પટેલે છ માસ સુધી રાજસ્થાનના ઉદયપુરમાં રોકાણ કર્યું હતું અને ૧૭મી જાન્યુઆરીએ હાર્દિક આશરે ૧૦૦૦ જેટલી ગાડીઓના કાફલા સાથે ઉદયપુરથી રતનપુર બોર્ડર પર પહોંચ્યો હતો. દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ હાર પહેરાવીને હાર્દિકનું સ્વાગત કર્યું હતું. તેણે સ્વાગત કરતાં જણાવ્યું કે સમાજ સિવાય અન્ય મુદ્દે સાથે લડત આપીશું. હાર્દિક ઘરવાપસી કરી રહ્યો હોઈ શામળાજી ખાતે ૭૦૦થી વધુ પોલીસકર્મીઓનો કાફલો તૈનાત હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કહ્યું કે સરકારે તેમને મંજૂરી આપી છે અને તે પ્રમાણે તેમનો રૂટિન કાર્યક્રમ થશે.
હિંમતનગરમાં સભા સંબોધન
હાર્દિકે જય સરદાર અને જય પાટીદારના નારા સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે ફૂલ અને સાથે હળ આપીને તેનું સ્વાગત કરાયું. હિંમતનગરમાં સભા સંબોધતાં હાર્દિકે કહ્યું કે, અનામતની લડાઈ સમાજના હિત માટે છે. ભારતની આઝાદી પછી ગુજરાતના ૧ કરોડ ૨૦ લાખ પાટીદારોને પહેલીવાર કંઈક માગવું પડ્યું. આ લડાઈમાં અનેકોના જીવન હોડમાં મુકાયા અને અનેક તડીપાર થયા. બાબા સાહેબ આંબેડકરે જે જરૂરિયાતમંદોને બંધારણમાં અનામત આપી તે અનામત લેવાની છે. આ લડાઈ કોઈ વ્યક્તિને સત્તા પરથી ઉતારવા માટેની નથી. અમે કોઈ પણ અનામત ધરાવતા સમાજનો વિરોધ નથી કરતા, પણ અમારે અનામત તો લેવાની જ છે જો મળશે નહીં તો ઝૂંટવી લઈશું.
શંકરસિંહ વાઘેલાનો આવકાર
ગુજરાતમાં પ્રવેશેલા હાર્દિકને આવકારતાં ગુજરાતના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને હું વેલકમ કરું છું અને પોલીસને ચેતવણી આપું છું કે તેની સભા-રેલીમાં ભાજપના ઇશારે સળી કરવાથી દૂર રહે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, મહાત્મા મંદિર મોદી મંદિર કહેવાય તો નવાઇ નહીં. વાઇબ્રન્ટ ૨૦૧૭ના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. વાઈબ્રન્ટ ઇવેન્ટમાં એર પોર્ટને કોઇ કારણ વિના સજાવ્યું હતું. રૂ. ૫૦૦ કરોડનો ખર્ચ કરી ભાજપનો પ્રચાર કરાયો છે. સરકાર વાઇબ્રન્ટ ગુજરાતના ખર્ચનો હિસાબ આપે.


