ગાંધીનગરઃ પાટીદાર સમાજના લોકોને અન્ય પછાત વર્ગના ધોરણે અનામતનો લાભ આપવાની માગણીમાં ૬ ઓગસ્ટે ઉત્તર ગુજરાત ત્રણ સ્થળે પ્રચંડ સભા યોજાઇ હતી. પાલનપુર, તીર્થધામ બહુચરાજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પ્રચંડ રેલીઓ યોજીને આંદોલનકારીઓએ શાંતિપૂર્વક છતાં આક્રમક શક્તિપ્રદર્શન કર્યું હતું. હતો. પાલનપુરની રેલી ૩૦ હજારથી વધુ લોકોની હાજરી હતી. જ્યારે બહુચરાજી અને વડનગરમાં પણ મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર અને ગાંધીનગરની રેલીઓની જેમ પાલનપુરની રેલી પણ અભૂતપૂર્વ હાજરીવાળી રહી હતી. બીજી તરફ પટેલ અનામત આંદોલનને પગલે આર્થિક ધોરણે અનામતોની માગણી સાથે બ્રહ્મસમાજે અને ક્ષત્રિય સમાજે આ જ મુદ્દે પાટીદારોના આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
સરદાર પટેલ ગ્રૂપના વડા લાલજીભાઇ પટેલ સહિત વિવિધ આગેવાનોએ સભાને સંબોધન કર્યા બાદ સવા દસ વાગ્યે વિશાળ રેલીનો પ્રારંભ થયો હતો. ત્રણ કિ.મી. લાંબી આ રેલી શાંતિપૂર્વક જિલ્લા કલેક્ટર કચેરીએ ગઇ હતી, જ્યાં આગેવાનોએ પોતાની માગણીઓ અંગેનું આવેદનપત્ર આપ્યું હતું. પોલીસે રેલીઓના સ્થળે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
અનામત સિવાય ચર્ચા નહીં
છેલ્લા કેટલાક દિવસથી શરૂ થયેલા પાટીદારોના અનામત આંદોલનમાં આંદોલનકારો વચ્ચે ઊભા થયેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. સરદાર પટેલ ગ્રૂપે (એસપીજી) જાહેરાત કરી છે કે, અનામતના મુદ્દે તેઓ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે અને આમંત્રણ મળશે તો ચર્ચા કરાશે પરંતુ ચર્ચાનો મુદ્દો માત્ર અનામત જ રહેશે. સરકાર સાથે ચર્ચા કરવા માટે સાત સભ્યોની કમિટી પણ બનાવશે.
દરમિયાનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કહેવાતા કન્વીનર હાર્દિક પટેલને એસપીજી દ્વારા પ્રાથમિક સભ્યપદેથી પણ થોડા દિવસ અગાઉ દૂર કરાયો હોવાની ગ્રૂપે જાહેરાત કરી હતી. હાર્દિક પટેલ એક તકસાધુ તરીકે વ્યક્તિગત લાભ માટે આંદોલનના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તેવો આક્ષેપ થઇ રહ્યો છે. આ ઉપરાંત એસપીજીના હોદ્દેદાર મનોજ પટેલે કહ્યું છે કે સરકારે પાટીદારો સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે.


