ગાંધીનગરઃ શૈક્ષણિક ક્ષેત્રે અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગોને મળતો અનામતનો લાભ હવે રાજ્યના પાટીદારો ઇચ્છી રહ્યા છે. સોમવારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દસ હજારથી વધુ પાટીદારોની વિશાળ મૌન રેલી નીકળી હતી. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગરમાં પંદર હજાર પાટીદારો અનામતની માંગની સાથે રસ્તા પર ઉતર્યા હતા. સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકના બગસરા અને જામનગર જિલ્લાના જામજોધપુરમાં પણ અનામતની માગ સાથે વિશાળ રેલી નીકળી હતી.
ગાંધીનગરમાં રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. પાટીદારો સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગમાં સમાવેશ કરવાની માગ સાથે પાટીદારો મોટી સંખ્યામાં શહેરના ઘ-૦ માર્ગ ખાતે એકઠા થયા હતા.
પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી એકદમ મૌન રહી હતી. રેલી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા બાદ સભામાં ફેરવાઇ હતી.
રેલીના આયોજકો ગૌરાંગ પટેલ અને એલ. ડી પટેલે સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યંુ હતું કે, પાટીદારો કોઇપણ ભોગે અનામતનો લાભ લેશે. સભા સંબોધન બાદ પાંચ આગેવાનોએ કલેક્ટર દ્વારા મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપ્યું હતું.
તો બીજી બાજુ હિંમતનગરમાં અંદાજે ૧૫ હજાર પાટીદારોએ જંગી રેલી યોજીને અનામતની માગણીના સૂત્રોચ્ચાર કરીને બહુમાળી ભવન પહોંચીને કલેકટરને આવેદનપત્ર આપીને અનામતની માગણી સંદર્ભે રજૂઆતો કરી હતી. હિંમતનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજાઇ હતી. જેને સંબોધન કરતા કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હવે પાટીદાર સમાજને કોઇ રોકી શકે તેમ નથી.
ગાંધી-સરદારના માર્ગે છીએ પણ જરૂર પડ્યે ભગતસિંહ બનીશું. તેમણે ભાજપ-કોંગ્રેસમાં રહેલા પટેલ સમાજના લોકો જો સાચા પાટીદાર હોય તો પક્ષમાંથી રાજીનામું આપીને આંદોલનમાં જોડાવું જોઇએ તેમ પણ કહ્યું હતું.
હવે ઓબીસી પણ મેદાને
ઓબીસી સમાજમાં આવતા લોકોને એક કરી આંદોલન કરવા ઓબીસી અધિકાર આંદોલન સમિતિ મેદાને આવી છે. સમિતિના આયોજક રણવીર દેસાઇએ જણાવ્યું છે કે, ઓબીસી-બક્ષીપંચ, એસઇબીસી અને મંડલ પંચમાં આવતી જાતિના લોકોના આંદોલનની રણનીતિ માટે તમામ રાજકીય પક્ષના અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, બૌધ્ધિકો અને વિદ્યાર્થીઓની એક મીટીંગ બોલાવવામાં આવી છે.