ગાંધીનગરઃ સચિવાલયમાં ગત સપ્તાહે મળેલી કેબીનેટની બેઠકમાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો સૌથી વધુ ચર્ચાયો હતો. તાજેતરમાં સરકારે અનામત આંદોલનને શાંત પાડવા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ સરકારના પાસા અવળા પડયા હોય તેમ પાટીદારોમાં તેની નોંધપાત્ર અસર થઈ નહોતી. કેબીનેટમાં મુખ્ય પ્રધાને પાટીદારોને મનાવવા શું કરવું જોઈએ તેના સૂચનો માગતા મોટાભાગના પ્રધાનોએ રાજસ્થાન પેટર્ન પર અનામત વ્યવસ્થા ગોઠવવા સૂચનો કર્યા હતાં.
અંદાજે બે કલાક ચાલેલી બેઠકમાં વહિવટી મુદ્દા ચર્ચાયા નહોતાં. પરંતુ પાટીદારોના અનામત આંદોલનની ગતિવિધિઓ અને સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજની પાટીદારો સહિતના સવર્ણ સમાજમાં થયેલી અસર અંગે ચર્ચા કરાઈ હતી.
સરકારના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્ યપ્રધાન આનંદીબહેન પટેલે દરેક પ્રધાન પાસેથી આર્થિક પેકેજ મામલે સમાજમાંથી આવેલા પ્રતિભાવો જાણ્યાં હતાં. કેટલાક સિનિયર પ્રધાનોએ સ્પષ્ટ કહ્યું હતું કે આર્થિક પેકેજથી પાટીદાર સમાજ સહિતના સવર્ણોને લાભ જરૂર થયો છે પરંતુ અનામત જેટલો લાભ નથી થયો. પાટીદારો પણ આ જ વાત સ્પષ્ટપણે માની રહ્યા છે.
નગરપાલિકા-પંચાયતની ચૂંટણી ત્રણ મહિના સુધી મોકૂફઃ ગુજરાત સરકારે ૩ ઓક્ટોબરે કાયદામાં સુધારા સાથેના વટહુકમ બહાર પાડ્યો તે જ રાત્રે ચૂંટણી પંચે રાજ્યની નગરપાલિકા- જિલ્લા-તાલુકા પંચાયત સહિતની કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના સુધી નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. સરકારે કાયદાકીય સરળતા કર્યા બાદ પંચે આ નિર્ણયની જાહેરાત કરીને ચૂંટણીને પાછી ઠેલી છે. પંચે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાનુકૂળ નહીં હોવાનું કારણ દર્શાવ્યું છે. પંચના સચિવ મહેશ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૬ મહાનગપાલિકા, ૫૩ નગરપાલિકા, ૩ નવી રચાયેલી નગરપાલિકા, ૨૩૦ તાલુકા પંચાયત અને ૩૧ જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓની મુદત પૂરી થતી હોવાથી તે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજવાની થતી હતી. ચૂંટણીઓનો વ્યાપ જોતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા રાજ્ય ચૂંટણી આયોગે કરી છે અને કાળજીપૂર્વકની વિચારણાના અંતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ હાલમાં નહીં યોજવા અને ચૂંટણી માટેની અનૂકૂળ પરિસ્થિતિની પુનઃ સમીક્ષા કરી આગામી ૩ માસમાં ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે.
પરિવારની સુરક્ષા માટે મહિલાઓ ધોકો લઈને નીકળેઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ગત સપ્તાહે હળવદના ટીકર ગામે રાજદ્રોહના ગુના હેઠળ સજા ભોગવી રહેલા નિલેશ એરવાડિયાના પરિવારોને મળીને પાટીદારોની જંગી સભા સંભોધી હતી. જેમાં હાર્દિક જણાવ્યું હતું કે રાજ્યભરમાં પાટીદાર નવનિર્માણ સેનાએ પાટીદાર મહિલાઓની સુરક્ષા માટે ૩૦૦ પાટીદાર સભ્યોની ટીમ તૈયાર કરી છે જે ૨૪ કલાક તૈયાર રહેશે. પરિવારની સુરક્ષા માટે મહિલાઓ હવે થાળી વેલણ છોડીને ઘરના ધોકાનો ઉપયોગ કરે.
મક્કામાં ગુજરાતનાં ૨૫ હાજીઓ હજુ લાપતાઃ તાજેતરમાં હજ પઢવા માટે મક્કા ગયેલા ગુજરાતનાં અંદાજે ૧૧ હજારથી વધુ હાજીઓ મક્કા શરીફ (સાઉદી અરેબીયા) પહોંચ્યા હતા અને તેમાં થયેલી ભાગદોડ દરમિયાનની દુર્ઘટનામાં દેશવિદેશના હજારો હાજીઓની સાથે ગુજરાતનાં ૧૬ હાજીઓના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત હજુ પણ ૨૫થી વધુ ગુજરાતી હાજીઓ ગુમ હોવાની માહિતી કેન્દ્ર સરકાર દ્વારા મેળવી આપવાની માંગણી મુખ્ય પ્રધાન સમક્ષ કરવામાં આવી છે.
હિંમતનગર-મહેસાણામાં લાખો OBCભેગા થશેઃ એસ.સી., એસ.ટી. અને ઓબીસી (ઓએસએસ) એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, બંધારણે આપેલા અમારા હકોની રક્ષા અમે કોઈ પણ ભોગે કરીશું. ૨૩ ઓક્ટોબરે હિંમતનગર અને ૨૫ ઓક્ટોબરે મહેસાણામાં અનુક્રમે બે અને પાંચ લાખ લોકોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે ગુજરાતમાં પણ ૧૦૦થી વધારે ધારાસભ્યો અને સંસદ સભ્યો અમારા સંપર્કમાં છે અને તેમનો અમારી લડતને ટેકો છે. કોંગ્રેસ દ્વારા ઇબીસીને અપાયેલા ટેકા બાબતે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં અમારા સમાજના ૫૪ ટકા લોકો છે તો અમને ૫૪ ટકા અનામત મળવી જોઈએ. આંદોલન એ અનામત નાબુદી માટે સરકાર છૂપો એજન્ડા હોવાનું તેમણે જણાવ્યું હતું.
લોકો ઇચ્છશે તો રાજકારણમાં પણ જોડાઇશઃ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે દિલ્હીમાં તેની નવી સંસ્થા અખિલ ભારતીય પટેલ નવનિર્માણ સેનાની જાહેરાત વખતે એવું કહ્યું હતું કે, હું રાજકારણમાં જોડાઈ શકું છું. જો લોકો એમ ઇચ્છતા હોય તો. જ્યારે સમય આવશે ત્યારે હું રાજકીય પગલાં વિશે વિચારીશ. હું આ અંગે એકલો નિર્ણય ના લઈ શકું. આ નિર્ણય અમારે બધાએ ભેગા થઇને લેવો પડે. હાર્દિક પટેલે આ વાત દિલ્હીમાં એક મુલાકાત દરમિયાન કહી હતી.
અમદાવાદથી બે નવી ડોમેસ્ટિક ફ્લાઇટઃ ૨૫ ઓક્ટોબરથી શરૂ થતા વિન્ટર શિડયુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી પ્રવાસીઓને નવી બે ફલાઇટની સુવિધા મળશે. બાકીની ડોમેસ્ટિક એરલાઇન કંપનીઓએ તેમના શિડયુલમાં ઓપરેટ થતી ફલાઇટોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ શિડયુલમાં ફક્ત જેટ એરવેઝ અમદાવાદથી દિલ્હી અને સ્પાઇસ જેટ અમદાવાદ-હૈદરાબાદ-કોચીની ફલાઇટ ઓપરેટ કરશે. આમ બે ફલાઇટની ૩૦૦થી વધુ સીટો વધશે. ગત વર્ષે પણ એકપણ નવી ફલાઇટ વિન્ટર શિડયુલમાં આવી ન હતી. આ વર્ષે ફક્ત બે નવી ફલાઇટ પ્રવાસીઓને મળી છે.

